રાધનપુર હાઈવે પર કાર પલટી ગયા બાદ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો
બનાસકાંઠા, 17 જુલાઈ 2024, રાધનપુર- વારાહી રોડ પર કાર પલટી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ કારમાં ચાલક ભડથું થઈ ગયો હતો. કારમાં થોડી વારમાં જ આગ વધુ વિકરાળ બનતાં ચાલકને બહાર નીકળવાનો મોકો જ નહોતો મળ્યો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાધનપુર-વારાહી રોડ પર આજે બપોરના સમયે મઢુત્રા ગામનો યુવક અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જ હાઈવે પર અચાનક કારે પલટી ખાધી હતી. ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતા નીકળી શક્યો ન હતો અને અંદર જ ભડથુ થઈ ગયો હતો.
પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડાયો
રાધનપુર-હાઈવે પર સર્જાયેલા અકસ્માતના કારણે થોડીવાર માટે અન્ય વાહનોના પૈડાં થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તો પોલીસે વાહનવ્યવહારને પૂર્વવત કર્યો હતો. કારમાં સવાર જે વ્યકિતનું મોત થયું છે તે મઢુત્રા ગામના રહેવાસી હોવાનું અને તેનું નામ રાજુભા ચનુભા સોઢા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શોર્ટ સર્કિટથી આ કાર લાગી હોવાનું અનુમાન
આ અકસ્માત બાબતે વારાહી પીએસઆઈ એ.પી.જાડેજાએ કહ્યું હતું કે, જે કારમાં આગ લાગી તેમાં મૃતક વ્યકિત એક જ સવાર હતો. કોઈ કારણોસર કાર પલટી ગઈ હતી. કારના ચાલકે આગળના ભાગેથી નીકળવાનો પ્રયાસ કર્યો હોય શકે પરંતુ, તે સંપૂર્ણ બહાર નીકળે તે પહેલા જ આગમાં જીવતો ભૂંજાયો હોવાનું અનુમાન છે.સંભવત પેટ્રોલની ટાંકી લીક થયા બાદ શોર્ટ સર્કિટથી આ કાર લાગી હોવાનું અનુમાન છે.હાલ મૃતકની લાશને પીએમ માટે વારાહી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ટોકરીયા માં અપહરણ કરાયેલ માસુમનો હત્યારો ઝડપાયો