ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીના ઉમેદવારને મળ્યા માત્ર 30 મત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ લીડથી જીત મળી છે. જેમાં 156 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. તેવામાં કેટલાક અન્ય પક્ષોના ઉમેદવારોની ડિપોઝિટ પણ કપાઇ ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM, સમાજવાદી પાર્ટીની સાથે JDU પણ મેદાનમાં હતી. જેમાં અમદાવાદની બાપુનગર બેઠક પર JDUના ઉમેદવારને માત્ર 30 મત જ મળ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર
ઇમ્તિયાઝ પઠાણે પોતાની હારનો ઠીકરો પાર્ટી પર ફોડ્યો
એક તરફ વિધાનસભાની 182 બેઠકમાંથી 156 બેઠક જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષને 4 બેઠક મળી હતી. અમદાવાદની બાપુનગર બેઠક પરથી જનતા દળ યૂનાઇટેડના ઉમેદવાર ઇમ્તિયાઝ ખાન પઠાણને સૌથી ઓછા 30 મત મળ્યા હતા. રાજ્યમાં ચૂંટણીમાં કોઇ પણ ઉમેદવારના આ સૌથી ઓછા મત હતા. 45 વર્ષીય ઇમ્તિયાઝ પઠાણે પોતાની હારનો ઠીકરો પાર્ટી પર ફોડતા કહ્યુ કે પાર્ટીએ તેમના પક્ષમાં પ્રચાર કર્યો નહતો, તેમણે કહ્યુ કે, જો હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતો તો વધુ મત મળી શકતા હતા.
આ પણ વાંચો: ચા વેચનારા PM બાદ દૂધ વેચનારા CM બન્યા, જાણો સુખવિંદર સિંહ સુખુની રાજકીય સફર
કોણ છે બાપુનગર બેઠક પરથી લડનારા ઇમ્તિયાઝ પઠાણ?
ઇમ્તિયાઝ પઠાણ રાજકારણમાં નવા નથી, તેમનું કહેવુ છે કે તેમણે 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ખેડા બેઠક પરથી નસીબ અજમાવ્યુ હતુ અને તેમણે 5 હજાર કરતા વધુ મત મળ્યા હતા. ઇમ્તિયાઝ પઠાણે કહ્યુ, તે સમયે હું અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રહ્યો હતો પરંતુ અહી JDUને કોણ ઓળખે છે? કોઇ નહી. આ તો થવાનું જ હતુ. ઇમ્તિયાઝ પઠાણે કહ્યુ કે પાર્ટીએ ગુજરાત ચૂંટણીમાં અડધા ડઝન કરતા વધુ ઉમેદવારોને ટિકિટ આપી હતી પરંતુ તે બધા હારી ગયા હતા.
આ પણ વાંચો: ખેલ પડી ગયો, અપક્ષ અને AAPના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે!
AIMIM સાથે પણ સબંધ રહ્યો છે
ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર ચૂંટણી લડનારા 1,621 ઉમેદવારમાંથી ઇમ્તિયાઝ પઠાણને સૌથી ઓછા મત મળ્યા છે. વર્ષ 2002માં ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ સોસાયટી નરસંહારના સાક્ષી ઇમ્તિયાઝ પઠાણે કહ્યુ કે 2019માં ચૂંટણી પછી તે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMમાં સામેલ થયા હતા અને બે વર્ષ સુધી તેના સભ્ય રહ્યા હતા. ઇમ્તિયાઝ પઠાણે કહ્યુ કે, જ્યારે મને લાગ્યુ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ટિકિટ નહી આપે તો હું JDUમાં સામેલ થઇ ગયો હતો.