ગુજરાત ચૂંટણી : નાગરિકોમાં સજાગતા, c-VIGIL ઍપ સહિતના માધ્યમોથી ફાયદો
સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 583 ફરિયાદો મળી છે, તે પૈકી 362 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 221 ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.
અન્ય ફરિયાદો
ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી છે. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.
આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યારસુધીમાં 154 ફરિયાદો મળી છે. તે પૈકી 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે, જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની 05 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
MCMC-મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ
ઈલેક્ટ્રોનિક મિડિયા, રેડિયો અને સોશિયલ મિડિયા પર પ્રચાર-પ્રસાર કરતાં પહેલાં રાજકીય પક્ષોએ રાજ્ય અને જિલ્લા કક્ષાની MCMC(મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. મોટાભાગે રાજ્યકક્ષાની કમિટિ સમક્ષ જાહેરાતો પૂર્વ-પ્રમાણિત થવા માટે રજૂ થતી હોય છે.
અત્યારસુધીમાં રાજ્યકક્ષાની MCMC કમિટિની 10 બેઠકો મળી છે. ત્રણ મુખ્ય રાજકીય પક્ષો તરફથી આ કમિટિ સમક્ષ 955 ક્રિએટીવ્સ પૂર્વ પ્રમાણિત થવા માટે રજૂ કરાયા હતા. જેની યોગ્ય ચકાસણી કરીને જરૂર જણાય ત્યાં સુધારા કરવાનું સૂચન કરાય છે અને તત્પશ્ચાત તેને પ્રસારિત કરવા મંજૂરી આપવામાં આવે છે.
અવસર રથ
રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકી 2022 મતદાન મથકોના વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નોના ભાગરૂપે અવસર રથ ફરી રહ્યો છે. તા.3 નવેમ્બર, 2022થી અવસર રથ ફરી રહ્યો છે. વલસાડ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં અવસર રથની યાત્રા સંપન્ન થઈ ગઈ છે. અત્યારે નવસારી, સુરત, વડોદરા, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અવસર રથ દ્વારા મતદાન જાગૃતિના પ્રયત્નો ચાલી રહ્યા છે.