વિદ્યાર્થિનીને બદલે “દુલ્હન” પરીક્ષા આપવા “આવ્યો”, પછી ખૂલ્યું રહસ્ય
પંજાબ, 09 જાન્યુઆરી: પંજાબના ફરીદકોટ જિલ્લાની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સે પેરા મેડિકલ ભરતી માટે પરીક્ષા યોજી હતી. આ પરીક્ષા માટે કોટકપુરામાં બનેલા સેન્ટરમાં છોકરીને બદલે એક છોકરો પેપર આપવા આવ્યો હતો. ખાસ વાત એ છે કે પરીક્ષા આપવા આવેલો છોકરો દુલ્હનના વેશમાં સેન્ટર પર પહોંચ્યો હતો.
છોકરી બની છોકરો પહોંચ્યો પેપર આપવા
રવિવારે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 806 અને અન્ય 83 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા ફરીદકોટ, ફિરોઝપુર અને કોટકપુરામાં 26 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જેમાં 7500 ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. આ દરમિયાન ફરીદકોટના કોટકાપુરા શહેરની ડીએવી પબ્લિક સ્કૂલમાં બનેલા સેન્ટરમાં એક છોકરી બનીને એક છોકરો પેપર આપી રહ્યો હતો, યુનિવર્સિટીના અધિકારીઓને તેના પર શંકા ગઈ અને પ્રશાસને બાયોમેટ્રિક ઉપકરણોની મદદથી તેને પકડી લીધો.
નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પણ બનાવ્યા
મળતી માહિતી મુજબ આ પરીક્ષા પેપર ફાઝિલકાના ધની મુનશી રામ ગામના રહેવાસી ભજન લાલની પુત્રી પરમજીત કૌરનું હતું. પરંતુ પેપર આપવા આવેલી યુવતી પર શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ ખબર પડી કે તે છોકરી નથી, પરંતુ એક છોકરો છે. આ યુવકની ઓળખ ફાઝિલકાના રહેવાસી જગતાર સિંહના પુત્ર અંગ્રેઝ સિંહ તરીકે થઈ છે. પેપરમાં બેસવા માટે નકલી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પણ બનાવ્યા હતા.
યુનિવર્સિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે છેતરપિંડીના આરોપમાં ઉક્ત યુવકની ધરપકડ કરી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
બોયોમેટ્રિકની મદદથી છોકરાને પકડ્યો
આ બાબતે સંપૂર્ણ માહિતી આપતા બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર રાજીવ સૂદે જણાવ્યું હતું કે, રવિવારે વિવિધ પેરા મેડિકલ ભરતીના પેપર દરમિયાન કોટકપુરાના એક સેન્ટરમાં છોકરીને બદલે એક છોકરો પેપર આપવા આવ્યો હતો. જ્યારે યુનિવર્સિટીને શંકા ગઈ ત્યારે તેઓએ બાયોમેટ્રિક ઉપકરણોની મદદથી છોકરાને પકડ્યો. આ પહેલા પણ અમે એક કેસ પકડ્યો હતો અને હવે આ નવો મામલો પ્રકાશમાં આવ્યો છે. અમે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આગળની કાર્યવાહી કરશે. અમે તે દિવસનું તે છોકરીનું પેપર કેન્સલ કર્યું છે.
આ પણ વાંચો: NEET PG 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે આ તારીખે પરીક્ષા લેવાશે