કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં દારૂ મહેફીલના વાયરલ વીડિયોમાં પોલીસકર્મી પણ સામેલ હોવાનો ધડાકો, સીપી સામે કરાયા રજૂ

Text To Speech
રાજકોટ શહેરમાં કથિત દારૂ મહેફિલનો વીડિયો વાયરલ થયેલો. જેમાં એક પોલીસ મેન પણ હોવાનો ધડાકો થયો છે. આ મામલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ આકરા પાણીએ થયા છે અને કડક કાર્યવાહી કરવા સૂચના આપતા 6 લોકોને દબોચી લેવાયા છે અને તેઓને સીપી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
એક ઓફિસમાં દારૂપાર્ટી ચાલતી હોવાનો વીડિયો થયો હતો વાયરલ
બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ ગોઝારી ઘટનાને કારણે અનેક પરિવારોનો માળો પીંખાઈ જવા પામ્યો છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોવાના દાવાઓ પણ શરૂ થઈ ગયા છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સરકાર અને પોલીસની ‘કહેવાતી’ દારૂબંધીની રીતસરની ધજ્જીયા ઉડી ગઈ છે. આ વાયરલ વીડિયો રાજકોટના પારેવડી ચોક પાસે આવેલી એક ઑફિસમાં ઉતર્યો હોવાનો દાવો કરવામાં આવતાં પોલીસે આરોપીઓને દબોચવા દોડધામ શરૂ કરી દીધી હતી.
વીડિયો માલવીયાનગર વિસ્તારનો હોવાનો થયો હતો દાવો
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગતરાત્રે માલવિયાનગર વિસ્તારમાં આવેલી એક ઑફિસમાં દારૂની પાર્ટી યોજાઈ હતી અને તેમાં પંદરેક જેટલા શખ્સો સામેલ થયા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચારેક જેટલા શખ્સો દારૂ ભરેલો ગ્લાસ હાથમાં લઈને ‘નાચ કે દીખા’ ગીત ઉપર ડાન્સ કરી રહ્યા છે. જ્યારે ઑફિસની મુખ્ય ખુરશી ઉપર એક વૃદ્ધ બેઠેલા દેખાઈ રહ્યા છે અને તેઓ પણ હાથ ઉંચા કરીને નાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તેમના ટેબલની બાજુમાં જ એક નાનું ટેબલ પડેલું છે તેના ઉપર પાંચેક જેટલા દારૂના ગ્લાસ ભરેલા દેખાઈ રહ્યા છે.
પીઆઈએ તપાસ કરી પણ ક્યાંય ન મળી આવી ઓફીસ
દરમ્યાન આ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ ભુંકણનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત વીડિયો દોશી હોસ્પિટલની સામે આવેલી રવિરાજ નામની ઑફિસમાં ઉતર્યો હોવાનો દાવો થતાં દાવાના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળની તપાસ કરી હતી પરંતુ વીડિયોમાં દેખાઈ રહેલી ઑફિસ ક્યાંય પણ જોવા મળી નથી. જો કે તેમણે આ વીડિયો રાજકોટનો જ હોવાની વાતને સમર્થન પણ આપ્યું હતું. માલવિયાનગર પોલીસે તપાસ કરતાં તેના ધ્યાને ઑફિસ આવી નથી ત્યારે આખરે આ વીડિયો ક્યાંનો છે તે શોધવા માટે પોલીસે તમામ તાકાત લગાવી દીધી હતી.
વીડિયોમાં દેખાતી ઓફીસ બી-ડીવીઝન પોલીસે શોધી લીધી, છ શખ્સોને દબોચ્યા
ત્યારબાદ એવો ખુલાસો થયો હતો કે આ વીડિયો જૂની ડિલક્સ ટોકીઝ પાછળ આવેલી એક ઑફિસમાં ઉતર્યો છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એમ.સી.વાળાએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઈ રહેલી ઑફિસ મળી આવી છે ત્યારે પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું તે શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, આજ સાંજ સુધીમાં વીડિયોમાં દેખાતા 6 લોકોને દબોચી લઈ સીપી ભાર્ગવ સમક્ષ રજૂ કરાયા હતા અને બાદમાં બી.ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કડક કાર્યવાહી કરવા આદેશ અપાઈ ચુક્યા છે.
વીડિયોમાં દેખાતા પોલીસકર્મી હેડ ક્વાર્ટરમાં બજાવે છે ફરજ
એક અહેવાલ મુજબ વીડિયોમાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વીરાભાઈ ચાવડા પણ છે. આ અહેવાલ વહેતો થતા જ પોલીસ બેડમાં ચકચાર મચી છે. અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે આ ઓફિસ મયુર ચાવડા નામના શખ્સની છે. મહેફિલમાં હાજર લોકોની ઓળખ પણ થઈ ગઈ હોવાનું કહેવાય રહ્યું છે. જે પૈકી પોલીસકર્મી સહિત છ શખ્સોને સીપી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. ત્યારે વાયરલ થયેલો વીડિયો પોલીસ માટે અત્યંત શરમજનક ગણાશે કેમ કે રાજકોટ પોલીસ દ્વારા એક નહીં બલ્કે અનેકવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટમાં દારૂબંધી ‘સજ્જડ’ છે અને ક્યાંય દારૂ મળી રહ્યો નથી ! જો પોલીસનો આ દાવો સાચો હોય તો આખરે વીડિયોમાં દેખાઈ રહેલા લોકો દારૂ ક્યાંથી લાવ્યા હશે તે પણ એક મોટો પ્રશ્ર્ન છે. મહત્ત્વની વાત એ પણ છે કે વીડિયોમાં દેખાઈ રહેલા શખ્સો ફાયનાન્સર હોવાનું કહેવાઈ રહ્યું છે.
Back to top button