ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણીના બે દિવસ પહેલા તમામ સાંસદોને દિલ્હી બોલાવ્યા
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના તમામ સાંસદોને 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના બે દિવસ પહેલા દિલ્હી પહોંચી જવા કહ્યું છે. જેથી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટીના સાંસદોની હાજરી 100 ટકા હોય. પાર્ટીએ શુક્રવારે આ જાણકારી આપી તેમણે કહ્યું કે, 16 જુલાઈના રોજ દિલ્હીમાં તેમના આગમન પર સાંસદો માટે એક ટ્રેનિંગ અને પ્રેઝન્ટેશન સેશનનું આયોજન કરવામાં આવશે. જેથી કરીને તેમને વોટિંગની પ્રક્રિયા સાથે સંબંધિત માહિતીથી વાકેફ કરી શકાય.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ 16 જુલાઈએ તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કર્યું છે. દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. YSR કોંગ્રેસ, બીજુ જનતા દળ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ તેમને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આંકડાઓની દૃષ્ટિએ તેમનું રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત માનવામાં આવે છે. જો મુર્મુ રાષ્ટ્રપતિ બનશે તો તે દેશના પ્રથમ આદિવાસી અને સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે.