ધ વેક્સિન વૉરઃ વિજ્ઞાનીઓનો સંઘર્ષ દર્શાવતી ફિલ્મ ડબ્બો થઈ જશે?
- ભારતની સૌપ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ “ધ વેક્સિન વૉર” વિશે શા માટે કોઈ ચર્ચા જોવા નથી મળતી?
- અનુપમ ખેર, નાના પાટેકર, રાઈમા સેન જેવાં સબળ કલાકારો છતાં ફિલ્મને મોળો પ્રતિસાદ
દેશની સૌપ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ “ધ વેક્સિન વૉર” રિલિઝ થયાના ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર તેના વિશે કોઈ ચર્ચા કે પ્રમોશન જોવા મળતા નથી. સામાન્ય રીતે ફિલ્મો વિશે બોલકી પ્રજા પણ આ ફિલ્મ બાબતે સદંતર મૌન હોવાનો અનુભવ થઈ રહ્યો છે. દેખીતી રીતે તેનું કારણ આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક છે. ફિલ્મના નિર્માતા પલ્લવી જોશી છે અને દિગ્દર્શક તેમના પતિ વિવેક અગ્નિહોત્રી છે.
આ એ જ જોડી છે જેણે છેલ્લા થોડાં વર્ષમાં ધ કાશ્મીર ફાઇલ્સ, ધ તાશ્કંત ફાઇલ્સ તથા બુદ્ધ ઈન એ ટ્રાફિક જામ જેવી ફિલ્મો બનાવી છે. વળી આ જ જોડીએ દિલ્હીના 2020ના કોમી તોફાનો અંગે પણ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી છે.
આ પણ વાંચોઃ ધ વેક્સીન વૉર: કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિક યોદ્ધાઓની રોમાંચક કથા
શા માટે જોવી જોઇએ “ધ વેક્સિન વૉર” ફિલ્મ?
“ધ વેક્સિન વૉર” ને દેશની સૌપ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ તરીકે ગણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કોવિડ-19 મહામારીના સમયમાં દેશના વિજ્ઞાનીઓએ વહેલામાં વહેલી તકે અને સૌથી અસરકારક રસી બનાવવાનું બીડું ઝડપી લીધું અને એ પછી રસી તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમણે કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, કેવા લોકોએ, ખાસ કરીને અમુક મીડિયાએ કેવા પ્રશ્ન ઉપસ્થિત કરીને વિજ્ઞાનીઓને હતોત્સાહ કરવાનો પ્રયાસ પણ થયો હતો – એ બાબતોનું નાજૂક નિરુપણ કરવામાં આવ્યું છે. જોકે, એ બધી જ સ્થિતિમાંથી સાંગોપાંગ બહાર આવીને આપણા સાચા હીરો એવા વિજ્ઞાનીઓએ રેકોર્ડ સમયમાં રસી બનાવી દીધી, એટલું જ નહીં પરંતુ કોઈ આડઅસર વિના એ રસી સૌથી સફળ રહી.
દેશના વિજ્ઞાનીઓની નિષ્ઠા અને સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મ જોવાથી આપણી વર્તમાન અને ભાવિ પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ ઊભું થશે એવું લાગ્યા વિના રહેતું નથી.
ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરલ સ્ટોરી જેવી ચર્ચા આ ફિલ્મની કેમ નથી?
છેલ્લા એક વર્ષમાં આપણે ધ કાશ્મીર ફાઇલ્સ તથા ધ કેરલ સ્ટોરી જેવી ફિલ્મો અંગે એક પ્રકારનો જૂવાળ જોયો હતો, પરંતુ ધ વેક્સિન વૉર વિશે એવું કશું લાગતું નથી. કદાચ તેનું કારણ એ હોઈ શકે કે લોકોમાં એવી સામાન્ય છાપ છે કે, આ ફિલ્મ કોરોના મહામારી વિશે છે અને તેમાં મહામારી અને હોસ્પિટલ અને માણસોનાં મૃત્યુ દર્શાવવામાં આવ્યા હશે. આવી દહેશત હકીકતે ફિલ્મની નિર્માત્રી પલ્લવી જોશીએ એક સમાચાર સંસ્થા સાથે વાત કરતી વખતે વ્યક્ત કરી હતી.
ફિલ્મે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસમાં જે બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું છે તેના આધારે પણ અનેક લોકો ફિલ્મની સફળતા વિશે ચર્ચા કરી રહ્યા છે. જોકે, હકીકત એ છે કે, ક્યારે કઈ ફિલ્મ હીટ થશે અને કઈ ફિલ્મ ડબ્બો થઈ જશે એનું કોઈ ચોક્કસ ગણિત આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
A film by women, for women, of women. Watch it with your mother. #TheVaccineWar #ATrueStory pic.twitter.com/PVh3NBpf3V
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 30, 2023