ગુજરાતટ્રેન્ડિંગ

વિધાનસભામાં રજૂ થનારા વિધેયકથી વર્ષો જૂના ભાડુઆતોના અધિકારોને રક્ષણ મળશે

  • સને 1947ના ભાડા ધારાની મુદ્દતને 5 વર્ષ માટે વધારવા કાયદો સુધારાશે
  • બજેટ સત્રના અંતિમ દિવસોમાં તેની ચર્ચા હાથ ધરાશે
  • છેલ્લે વર્ષ 2011માં તેમાં 10 વર્ષનો મુદ્દત વધારો કરાયો હતો

વિધાનસભામાં રજૂ થનારા વિધેયકથી વર્ષો જૂના ભાડુઆતોના અધિકારોને રક્ષણ મળશે. જેમાં સને 1947ના ભાડા ધારાની મુદ્દતને 5 વર્ષ માટે વધારવા કાયદો સુધારાશે. ગુજરાત ભાડાં, હોટેલ અને નિવાસ દર નિયંત્રણ અધિનિયમ-1947ના અમલની મુદ્દત ત્રણેક વર્ષે પૂર્વે 31મી માર્ચ 2021ના રોજ પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, સીંગતેલના ભાવમાં વધારો થયો

બજેટ સત્રના અંતિમ દિવસોમાં તેની ચર્ચા હાથ ધરાશે

ભાડા ધારાના નામે ઓળખાતા આ કાયદાના અમલની મુદ્દતને વધારવા, લંબાવવાનું સરકારના ધ્યાન બહાર ગયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. આથી, હવે સરકારે તેમાં પાંચ વર્ષનો વધારો કરવા વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરવાનું નક્કી કર્યુ છે. બજેટ સત્રના અંતિમ દિવસોમાં તેની ચર્ચા હાથ ધરાશે. ગુજરાતમાં સંયુક્ત રાજ્ય મુબંઈ હેઠળ વહિવટ હતો ત્યારથી જ ભાડુઆતોના અધિકારોના સંરક્ષણ માટે ભાડાધારો અમલમાં છે.

આ પણ વાંચો: તરભ વાળીનાથ મંદિરને પાંચ કરોડનું દાન મળ્યું, 5 દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે

છેલ્લે વર્ષ 2011માં તેમાં 10 વર્ષનો મુદ્દત વધારો કરાયો હતો

જો કે, આ કાયદાના અમલમાં દર 10 વર્ષે સુધારો કરીને તેની મુદ્દત લંબાવવામાં આવતી રહી છે. છેલ્લે વર્ષ 2011માં તેમાં 10 વર્ષનો મુદ્દત વધારો કરાયો હતો. જે માર્ચ- 2021 સુધી અમલમાં હતા. બરાબર એ જ વર્ષે અર્થાત વર્ષ 2021માં કેન્દ્ર સરકારે ભાડા ધારાના સ્થાને નવો મોડલ એક્ટ અમલમાં મૂકવાનું નિયત કર્યુ હતુ. જેમાં ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચેના કાયદાકીય સંઘર્ષને ટાળવા આ બંને વચ્ચે કરાર એટલે કે સમય આધારીત રેન્ટ એગ્રીમેન્ટ, ભાડના દરોમાં વધારા માટેનો સમય તેમજ ભાડાની મિલકતોના નિયમન માટે રેરાના ધોરણે ટ્રિબ્યૂનલ કે ઓથોરિટી રચવાનો પણ પ્રસ્તાવ હતો. જેનાથી કબ્જો જમાવી લેતા ભાડુઆતો સામે મકાન માલિકને રક્ષણ- સુરક્ષા કવચ ઉપલબ્ધ થઈ શકે.

વર્ષો જૂના એવા ભાડુઆતો કે જેમના અધિકારો ઉપર તરાપ વાગી શકે છે

નવો કાયદો અમલમાં આવે તો વર્ષો જૂના એવા ભાડુઆતો કે જેમના અધિકારો ઉપર તરાપ વાગી શકે છે તેમના હિતોને નુકશાન જાય એમ હોવાથી તેમજ કોર્ટકેસ અને વિવાદો વધાવાની આશંકાને પગલે ગુજરાત સરકારે સર્વપ્રથમ સને 1947ના કાયદાની મુદ્દતમાં વધારો કરવાનુ નક્કી કર્યુ છે. જેથી આ કાયદાની મુદ્દત જ્યાં પુર્ણ થાય છે તે 31લી માર્ચ- 2021ના બીજા જ દિવસ 1લી એપ્રિલ- 2021ના રોજથી પાંચ વર્ષ માટે એટલે કે 31મી માર્ચ 2026 સુધી તેનો અમલ કરાવવા વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરાશે.

Back to top button