હિમાચલ પ્રદેશની ચૂંટણીના લઈને ભાજપ એક્શન મોડમાં. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહિત 40 લોકોના નામ સામેલ છે. તેમજ અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાની,પણ હિમાચલ ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે.
40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો પર ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં છે. ભાજપે શુક્રવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રથમ નામ પીએમ નરેન્દ્ર મોદીનું છે. આ લિસ્ટમાં જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ છે.
સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાર્ટી માટે પ્રચાર કરશે
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, અનુરાગ ઠાકુર, વીકે સિંહ, હરદીપ પુરી, ભાજપ સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ સિવાય મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ અને શાંતા કુમારનું નામ પણ સામેલ છે. ભાજપે આ લિસ્ટમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સામેલ કર્યાં છે. તેમાં યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામેલ છે.
આ પણ વાંચો: દેશમાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, બેરોજગારી 7.86 ટકાની સપાટી પર