વિકસિત ભારતની મહત્વાકાંક્ષાઓનો આધાર આપણી નારી શક્તિ છેઃ શંકરભાઈ ચૌધરી

અમદાવાદ, 13 જાન્યુઆરી : ગુજરાતની પ્રથમ વુમન થીંકર્સ મીટ એટલે નારી શક્તિને અભિનંદન આપવાનો અને બિરદાવવાનો અવસર. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ અમદાવાદ સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજીત વુમન થીંકર્સ મીટમાં આયોજકોના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા.
અહીં તેઓએ જણાવ્યું હતુ કે, ઘરમાં જેના કોઈ મંતવ્યને પૂછતું નહતું અને પુરુષ પ્રધાન સમાજની ડણકથી ગભરાઈ અંધારિયા ઓરડામાં કેદ રહેતી મહિલા હવે સરપંચ, IAS, IFS અધિકારીથી સાંસદ અને મુખ્ય મંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકે છે. મહિલા ગગનચુંબી એવરેસ્ટ સર કરી ચુકી છે અને સમુદ્ર તરીને તેને પણ બાથમાં સમાવી દીધો છે.
જેના રમકડાં પણ ઘર ઘર રમવાના રાચરચીલા કે મોટી થઈને તારે બાળક જ મોટું કરવાનું છે તે સંદેશો આપવા જેને બાળવયે જ હાથમાં ઢીંગલી પકડાવી દેવામાં આવતી તે બાળકી આજે રોકેટ, વિમાન, કાર, ફૂટબોલથી રમે છે. કુંડાળા અને પાંચીકાથી રમતી દીકરીઓ સફેદ યુનિફોર્મ પહેરી કરાટે, માર્શલ આર્ટ શીખી વખત આવે રણ ચંડી દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાની સજ્જતા કેળવતી પણ આપણે જોઈ રહ્યા છે.
મહિલાઓ પોલીસ અને ન્યાય તંત્રના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. હોસ્પિટલોમાં પણ મહિલા તબીબોનો દબદબો છે. ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલા સાહસિકો, સહકારી મંડળીઓ, હુન્નર -કળા સહીત સંગીતના ક્ષેત્રમાં પણ ખુબ આગળ વધી છે.
નારીશક્તિ ઘરની અગ્નિની રક્ષક જ નહીં, પણ આત્માની જ્યોત છેઃ ડૉ. રામ માધવ
નારી શક્તિને સંબોધતા ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ.રામ માધવે જણાવ્યું હતુ કે, નારી શક્તિ અવરોધો અને પડકારોની વચ્ચે પણ નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા માટે ઉત્સાહ અને દૃઢ નિશ્ચયથી ભરેલી છે! રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓ ફક્ત ઘરની અગ્નિની રક્ષક જ નહીં, પણ આત્માની જ્યોત પણ છે.
સ્ત્રીઓ ક્યારેય હાર ન માનવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે અને અનાદિ કાળથી માનવતા માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે સુધી, મહિલાઓએ સમાજ માટે મોટા અને સારા ઉદાહરણો સ્થાપિત કરવા માટે અવર્ણનીય દૃઢ નિશ્ચય અને ભાવના દર્શાવી છે.
થોડા દાયકાઓ પહેલા ઘરનો ઉંબરો પણ ઓળંગી નહિ શકતી મહિલાઓ આજે સાત સમંદર મલ્ટીનેશનલ કંપનીઓનું સુકાન સંભાળે છે. ઘૂંમટો તાણી સતત અપમાનોનો ઘૂંટડો પીવા માટે જન્મેલી મહિલા હવે કમાન્ડોની તાલીમ લઈને ખભે એકે 47 રાઈફલ સાથે સરહદ પાર માયનસ 30 ડીગ્રીમાં દેશના ગૌરવનું અપમાન કરનારને ગોળીથી ધરબવા સજ્જ બની ખડે પગે ચોકી કરતી જોવા મળે છે.
માતૃત્વનું પરાક્રમ માત્ર નારી કરે છેઃ ડૉ.અમી ઉપાધ્યાય, વીસી, BAOU
મહિલા સશક્તિકરણ કે સ્ત્રી પુરુષ સમોવડી બને તેનો અર્થ એવો ન થઇ જવો જોઈએ કે મહિલા તેનામાં રહેલી જન્મજાત નારી સંવેદનાઓ અને કુદરત દ્વારા તેને જ આપેલા ગુણોને ધરબી દઈ સંપૂર્ણપણે પુરુષ પ્રકૃતિ અને મિજાજ ધારણ કરે. મહિલા ગમે એટલી પુરુષ પ્રધાન બને પણ તે જે ઊમ અને વાત્સ્તલ્ય કુદરતી રીતે જ હૃદયમાંથી જન્માવી શકે તે પુરુષ માટે શક્ય જ નથી.
ઈશ્વરે એટલે જ બે અલાયદી જાતિઓનું સર્જન કર્યું છે. બંનેની પુરક ભૂમિકાથી જ ઘર, કુટુંબ અને સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે. તેમાં પણ ભારતીય સંસ્કૃતિમાં તો મહિલાઓની બહુઆયામી ભૂમિકા છે. પુરુષોનું કામ ભલે મહિલાઓ કરે પણ મહિલાઓ તેમનામાં જે જન્મજાત લક્ષણો ધરાવે છે તે જવાબદારી તો અદા કરે જ કેમ કે તે પુરુષો નહીં કરી શકે પુરુષો અનેક પરાક્રમ કરી શકે છે પરંતુ માતૃત્વનું પરાક્રમ તો માત્ર નારી જ કરી શકે છે.
કંઈક બનવા માટેનું નહીં કંઈ કરવાનું ધ્યેય રાખો: ડૉ. જીગર ઈનામદાર
ડૉ.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજીત વુમન થીંકર્સ મીટના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ. જીગર ઈનામદારે જણાવ્યું હતુ કે, 2047માં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટેનો આધાર આપણી નારી શક્તિ છે. પ્રત્યેક મહિલાએ જ નહીં પુરુષે પણ દિવસના અંતે પોતાની જાતને પૂછવું જોઈએ કે મેં આજે હેતુપૂર્ણ શું કર્યુ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બધાને કહે છે કે કંઈક બનવા માટેનું નહીં કંઈ કરવાનું ધ્યેય રાખો. કંઈપણ વર્તન કે જીવનપદ્ધતિ અપનાવતા સ્વગત પૂછવું જોઈએ કે ‘હું જે પણ કરી રહ્યો છું કે જે રીતે જીવનપદ્ધતિ અપનાવી રહ્યો છું તે આગળ જતા મને મારા પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને ક્યાં લાવીને મુકશે.’ આપણો દરેક વિચાર, દરેક કદમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના હિતાર્થે હોવો જોઈએ. નેશન ફસ્ટ, સેલ્ફ લાસ્ટની ભાવના આપણે સૌએ કેળવવી પડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વીકાર્યું છે કે નારીશક્તિના નેતૃત્વમાં વિકાસ માત્ર કેટલાક કાર્યક્રમો પૂરતો સીમિત નથી પરંતુ તે રાષ્ટ્રની વિકાસ ગાથાના હાર્દમાં સમાવિષ્ટ છે, જે વિકસીત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. અમારી સરકાર મહિલાઓના નેતૃત્વમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. દેશની મહિલા શક્તિ ‘વિકસિત ભારત‘ના સંકલ્પમાં અમૂલ્ય યોગદાન આપવા જઈ રહી છે.
ડૉ.જીગર ઈનામદારે વધુમાં જણાવ્યું હતુ કે,જે મહિલાઓ આર્થિક અને સામાજિક સંજોગોને વશ શૈક્ષણિક લાયકાત નથી મેળવી શકતી તેવી મહિલાઓ જે રીતે તેમના ઘરને, પતિ અને સંતાનોનું સંવર્ધન કરે છે તે વિશેષ સલામને પાત્ર છે. ભારત દેશની કરોડરજ્જુ આવી મહિલાઓ જ છે જેઓ બીજાને ઘેર કચરા-પોતાં, વાસણ-કપડા કે રસોઈ બનાવી તેમના પતિની કમાણીમાં ”કોઈ કામ નાનું નથી” તેવો મિજાજ કેળવી તેનું પણ યોગદાન આપે છે.
ભારતીય નારી શક્તિનો આ સદાબહાર મિજાજ અતુલનીય અને વિરાટ છે. કરચલી ધરાવતી પ્રૌઢ મહિલા હવે તેમની પુત્રવધુ ઉંચી ઉડાન મેળવી શકે તે માટે ફરી એક વખત તેમના પૌત્ર કે પૌત્રીનો ઉછેર કરવા એક જ જીવનમાં બીજી વખત માતાનો અવતાર ધારણ કરે છે. જો નવી પેઢીની પ્રગતિ અને ઉડાન બદલ કોઈ પીઠ થાબડે ત્યારે પુત્ર કે પુત્રવધૂએ બધાને સંભળાય તેમ જોરથી કહેવું જોઈએ કે અમે 21મી સદીના વિકાસના ફળ અમારી વીસમી સદીની મમ્મીના કારણે ચાખી શક્યા.
આજના જમાનામાં કુટુંબના અસ્તિત્વ કે પ્રગતિ માટે પતિ અને પત્ની બંનેની કમાણી અનિવાર્ય બનતી જાય છે ત્યારે મહિલાઓનો એક બહોળોવર્ગ એવો પણ છે કે જેઓ ઘેર બેઠા ફોન પર નિરર્થક પંચાત, તમામ સગાઓ અને મિત્ર વર્તુળ જોડેનું રોજેરોજનું અર્થહીન નેટવર્કીંગ, સોશિયલ મીડિયા અને ટીવીમાં ગળાડૂબ રહીને દિવસ અને જીવન પૂરું કરે છે. મહિલાઓની અખૂટ શક્તિઓનો ઘર, કુટુંબ, ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિક જગતમાં સુગંધ સાથે પ્રસાર થાય તે રીતે તેઓને દિશા આપવાની છે. શક્તિને ચેનલાઈઝ ન કરાય તો તે આંધી તુફાન પણ લાવી શકે તે યાદ રાખવાની જરૂર છે.
સમન્વય પ્રતિષ્ઠાન અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વુમન થીંકર્સ મિટ ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી 130થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ મીટમાં વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી, વુમન થીંકર્સ મીટના ટીમ લીડર ખુશ બ્રહ્મભટ્ટ, વુમન થીંકર્સ મીટ માટે લોગો ડીઝાઈન કરનાર નૈઋત્ય મચ્છાર, વુમન થીંકર્સ મીટના કો-ઓર્ડિનેટર મેઘના તિવારી, ઈન્ડિયા એકશન પ્રોજેક્ટ માટે કાર્યરત એવા શ્રૃતિ ચર્તુવેદી, પેનલિસ્ટ તરીકે શ્વેતા બ્રહ્મભટ્ટ ડૉ.નંદની કાનન, રોઝ ક્રીસ્ટીના અને ઓમિશા સંગીત ઉપસ્થિત રહ્યા હતા.