ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

બાર કાઉન્સિલે 22મીએ દેશની તમામ અદાલતમાં રજા રાખવાની માગણી કરી

Text To Speech

નવી દિલ્હી, 17 જાન્યુઆરીઃ ભારતના બાર કાઉન્સિલે આગામી 22મીને સોમવારે દેશભરની અદાલતોમાં રજા જાહેર કરવાની માગણી કરી છે. બાર કાઉન્સિલ (બીસીઆઈ)ના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ ઉપરાંત દેશની તમામ હાઈકોર્ટ તેમજ જિલ્લા અદાલતોમાં રજા જાહેર કરવામાં આવે.

 

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ તથા બાર કાઉન્સિલના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીએ રજા જાહેર થવાથી વકીલો તેમજ અદાલતના કર્મચારીઓને અયોધ્યા તેમજ દેશમાં અન્યત્ર પ્રાણ પ્રતિષ્ઠાને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે.

મનન કુમાર મિશ્રાએ પત્રમાં વધુમાં જણાવ્યું કે, જે કેસોમાં તત્કાળ સુનાવણી કરવાની જરૂર હોય તેવા વિશેષ કેસોમાં સુનાવણીની ખાસ વ્યવસ્થા કરી શકાય છે અથવા એ દિવસે તેની સુનાવણી મોકૂફ રાખીને ત્યારપછીના તરતના ચાલુ દિવસે સુનાવણી નિશ્ચિત કરી શકાય છે.

બાર કાઉન્સિલના અધ્યક્ષે કહ્યું કે, મુખ્ય ન્યાયમૂર્તિને હું વિનંતી કરું છું કે, તમે આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર કરશો અને આવા ઐતિહાસિક પ્રસંગે લોકોની ભાવનાને અનુરૂપ યોગ્ય નિર્ણય લેશો.

આ પણ વાંચોઃ મંદિર ઑન વ્હીલ્સ! તેલંગણાના કાર મ્યુઝિયમમાં તૈયાર થયું રામ મંદિરનું અનોખું મોડેલ

Back to top button