આજથી યુએઈમાં એશિયા કપનો થશે પ્રારંભ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ
આજથી યુએઈમાં એશિયા કપ ક્રિકેટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં 15 દિવસમાં 13 મેચ રમાશે. પ્રથમ બે ગ્રૂપમાં રહેલી ટીમો બે-બે મેચ રમશે અને જે ટીમ તળિયે હશે તે બહાર થઈ જશે. આ પછી, સુપર ફોર મેચો શરૂ થશે જેમાં બે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે. આજે ગ્રૂપ બીમાં પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. અફઘાનિસ્તાને છેલ્લી પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. બીજી તરફ શ્રીલંકાએ છેલ્લા પાંચમાંથી ચારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.છ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાઈ રહી છે. પહેલા તેનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પરંતુ આર્થિક સંકટના કારણે હોસ્ટિંગમાંથી ખસી ગઈ હતી.
ફાસ્ટ બોલરની ભારતીય ટીમને પડી શકે છે ખોટ
ભારતીય ટીમની પ્રથમ મેચ 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાવાની છે. બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે ફોર્મમાં પરત ફરવા માટે ઉત્સુક હશે. સુકાની રોહિત શર્મા અને કેએલ રાહુલના પ્રદર્શન પર પણ ફોકસ રહેશે. આ ટૂર્નામેન્ટમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભારતીય ટીમને ખોટ પડી શકે છે.
પાકિસ્તાન દસ વર્ષથી ટાઈટલ જીતી શક્યું નથી
છેલ્લા 12 મહિનામાં પાકિસ્તાને એક ટીમ તરીકે સારું પ્રદર્શન કર્યું છે. ટીમે છેલ્લું ટાઇટલ દસ વર્ષ પહેલાં જીત્યું હતું, જ્યારે તે ODI ફોર્મેટ (50-50 ઓવર)માં રમાઈ હતી. ટીમને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની ખોટ પડી શકે છે, જે ઘૂંટણની ઈજાને કારણે બહાર છે. ટીમ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી પર વધુ ભરોસો કરી રહી છે. મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ છે.
હોંગકોંગ ચોથી વખત એશિયા કપમાં ભાગ
શ્રીલંકાની ટીમ તેના નવા કોચ ક્રિસ સિલ્વરવુડના માર્ગદર્શન હેઠળ મેચ રમશે. ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી. તેમની પાસે એક તક છે જે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પોતાના દેશના લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ક્વોલિફાયર ટીમ હોંગકોંગ ચોથી વખત એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ઓમાનમાં યોજાયેલા ક્વોલિફાયરમાં તેણે સંયુક્ત આરબ અમીરાતને હરાવીને ટિકિટ મેળવી હતી.