બાંગ્લાદેશના આર્મી ચીફે કર્યો મોટો ખુલાસો, જાણો અવામી લીગના પ્રભાવશાળી લોકો સાથે શું કર્યું
- શેખ હસીના ભારતમાં, પરંતુ તેમની અવામી લીગ પાર્ટીના ઘણા નેતાઓ હજુ બાંગ્લાદેશમાં જ છે
ઢાકા, 14 ઓગસ્ટ: તખ્તાપલટ બાદ શેખ હસીના ભારતમાં છે પરંતુ તેમની અવામી લીગ પાર્ટીના ઘણા નેતાઓ હજુ બાંગ્લાદેશમાં જ છે. આ દરમિયાન બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વાકર-ઉઝ-ઝમાને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ અવામી લીગ સરકારના કેટલાક પ્રભાવશાળી લોકોને આશ્રય આપવામાં આવ્યો છે જેથી કરીને તેમને કોઈપણ હુમલાથી સુરક્ષિત કરી શકાય. અહેવાલ અનુસાર, રાજશાહી છાવણીમાં સેના, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને મળ્યા બાદ જનરલ ઝમાને કહ્યું કે, આવા લોકોને આશ્રય આપતી વખતે તેમનો સંબંધિત પક્ષ, મત કે ધર્મને પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “જો તેમની સામે કોઈ આરોપ હશે અને કેસ નોંધવામાં આવ્યો હશે, તો તેમને સજા કરવામાં આવશે. પરંતુ, અમે (તેની વિરુદ્ધ) કોઈ હુમલો અથવા ન્યાય સિવાયની કાર્યવાહી કરવા માંગતા નથી. તેમનો જીવ જોખમમાં હોવાને કારણે અમે તેમને આશ્રય આપ્યો છે.
એરપોર્ટ પરથી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ગત સપ્તાહે પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદ અને પૂર્વ રાજ્ય મંત્રી જુનૈદ અહેમદ પલકની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા અને તેમની સરકાર સામેના વિરોધને પગલે તેઓ દેશમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
શેખ હસીના સામે હત્યાનો કેસ
આ દરમિયાન, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગત મહિને થયેલી હિંસક અથડામણ દરમિયાન કરિયાણાની દુકાનના માલિકના મૃત્યુને લઈને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય છ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. 76 વર્ષીય શેખ હસીના સામે નોંધાયેલો આ પહેલો કેસ છે, જેઓ વિવાદાસ્પદ નોકરીની અનામત પ્રણાલી પર તેમની અવામી લીગની આગેવાનીવાળી સરકાર સામે વ્યાપક વિરોધને પગલે ગયા અઠવાડિયે રાજીનામું આપ્યા બાદ ભારત આવી હતી.
15મી ઓગસ્ટની રાષ્ટ્રીય રજા રદ
આ દરમિયાન, બાંગ્લાદેશની વચગાળાની સરકારે 15 ઓગસ્ટની રાષ્ટ્રીય રજા રદ કરી દીધી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને દેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની 15 ઓગસ્ટે જ હત્યા કરવામાં આવી હતી. આ દિવસે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય રજા હતી. મુખ્ય સલાહકાર કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, સલાહકાર પરિષદની બેઠકમાં 15 ઓગસ્ટની રજા રદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ જૂઓ: બાંગ્લાદેશ છોડ્યા બાદ પૂર્વ PM શેખ હસીનાનું પહેલું નિવેદન સામે આવ્યું