કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

અમરેલી પ્રવાસે CMનું કોમનમેન રૂપ જોવા મળ્યું, કાર્યકર્તાઓ સાથે નીચે બેસી ભોજન લીધું

Text To Speech

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમના આ પ્રવાસમાં તેઓનું કોમનમેન રૂપ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે કાર્યકર્તાઓ સાથે એક કાર્યકર્તાની જેમ જ નીચે બેસીને ભોજન લીધું હતું.

અમરેલી જિલ્લાના પદાધિકારીઓ- કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી

આ પ્રવાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા-પદાધિકારીઓ સાથે ટિફિન બેઠક યોજી, પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણાની સાથે સંવાદ સાધ્યો હતો. અમરેલી સ્થિત તુલસી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ ટિફિન બેઠકમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીના બે દાયકાથી વધુ શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાના છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે નિર્માણ કરેલી કાર્યશૈલીને અનુસરીને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાલક્ષી અનેક વિકાસ કાર્યો થયા છે, તેથી જ લોકોને આપણા પર ભરોસાની સાથે અપેક્ષા છે.

નીતિ આયોગના માપદંડ મુજબ રાજ્ય સરકાર નાણાંકીય વ્યવસ્થાપનમાં દેશભરમાં પ્રથમ

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર એક મજબૂત નાણાકીય વ્યવસ્થાપન સાથે કામ કરી રહી છે. જેને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પણ અનુમોદન મળ્યું છે. નીતિ આયોગના માપદંડ મુજબ રાજ્ય સરકાર નાણાંકીય વ્યવસ્થાપનમાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે છે. કોરોના મહામારી જેવી આપત્તિમાં પણ ગુજરાત સરકારે માતબર ૨ લાખ ૪૫ કરોડના કદનું બજેટ આપ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ એક થઈને પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા માટે કાર્યકર્તા-પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.

અમરેલી એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભેર સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું સ્વાગત અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

Back to top button