ગુજરાતટોપ ન્યૂઝ

જેટકોમાં કર્મચારીઓ અને ઇજનેરોના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં 23 જૂનથી આંદોલનની ચિમકી

  • રાજ્યના 6 હજાર ઇજનેરો સહિત 40 હજારથી વધુ વીજ કર્મચારીઓ આંદોલનમાં જોડાશે
  • જેટકો મેનેજમેન્ટને નોટિસ આપી આગોતરી જાણ કરવામાં આવી
  • આંદોલનને ‘અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ’ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો

આગામી તા. 23 જૂનથી આંદોલનનાં કાર્યક્રમો માટે જીઇબી એન્જિનિયર્સ એસો. (જીબીઆ) દ્વારા જેટકો મેનેજમેન્ટને નોટિસ આપી આગોતરી જાણ કરવામાં આવી છે. જુદા-જુદા પડતર પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખી ઇજનેરો તેમજ કર્મચારીઓ દ્વારા વર્ક ટુ રૂલ વધારાના કામનો બહિષ્કાર, માસ સીએલ, અચોક્કસ મુદ્દતની હડતાલ જેવા વિવિધ કાર્યક્રમોનો જીબીઆ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. હાલના પ્રવર્તમાન વાવાઝોડાની સંભવિત ઉભી થનારી પરિસ્થિતિ સામે ઇજનેરો તેમજ કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર ફરજ બજાવી રહ્યા છે. વીજ પુરવઠો જળવાઇ રહે તે હેતુસર કર્મચારીઓ ‘રાઉન્ડ ધ ક્લોક’ ફરજ બજાવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દ્વારા માંગણીઓ સંતોષવામાં આવશે તેવી આશા જીબીઆના હોદ્દેદારોએ વ્યકત કરી છે. 23 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાની જેટકોના એમડીને નોટિસ આપી છે.

શું છે મુખ્ય માંગણીઓ ?

રાજ્યની સાતેય વીજ કંપનીમાં માન્યતા ધરાવતા કર્મચારીઓના સૌથી મોટા સંગઠ્ઠન ‘અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ’ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આંદોલનની નોટિસને અનુરૂપ રાજ્યના 6000 ઇજનેરો સહિત 40,000થી વધુ કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. જેટકો ઉપરાંત અન્ય 6 વીજ કંપની એટલે મધ્યગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની, પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની, જીએસઇસીએલના કર્મચારીઓ-ઇજનેરો પણ જોડાશે તેમ જીબીઆના હોદ્દેદારોએ જણાવ્યું છે. એસોસિયેશનની મુખ્ય માંગણીઓમાં બિનકાયદેસર પ્રમોશન ઓર્ડર રદ કરવા, અધિકૃત નોર્મ્સ મુજબ નવા સ્ટાફની ભરતી તેમજ સર્કલ, ઝોન, ડિવિઝન ઇત્યાદી નવા યુનિટની મંજૂરી, કર્મચારીઓનું હોટલાઇન એલાઉન્સની મંજૂરી, કર્મચારીઓની ઇન્સેટિવ સ્કિમમાં ફેરબદલ વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. હજુ સુધી જેટકો મેનેજમેન્ટ દ્વારા વિવિધ માંગણીઓ સંતોષવામાં આવેલ નથી. જો મેનેજમેન્ટ દ્વારા સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જીબીઆ દ્વારા આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે. આંદોલનના લીધે વીજ વિક્ષેપ અને ઔદ્યોગિક અશાંતિની પરિસ્થિતિ ઉદભવે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપની મેનેજમેન્ટની રહેશે તેમજ કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના ઉચ્ચત્તર વિભાગોમાં વ્યક્તિગત તેમજ કાયદાકીય જોગવાઇ અનુસાર પણ રજૂઆત કરવામાં આવશે તેવું જીબીઆ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા નવા પ્રસ્થાપિત સબ સ્ટેશન માટેના સ્ટાફની મંજૂરી મળી નથી…!

ગત તા. 25-5-23ના રોજ જેટકો મેનેજમેન્ટ દ્વારા જુનિયર ઇજનેરથી નાયબ ઇજનેરના કેન્સલ થયેલા 6 ઓર્ડર (ઇલેક્ટ્રિકલ-સિવિલ) રીસ્ટોર કરી મોડીફાય કરવામાં આવેલ છે જે જીયુવીએનએલ દ્વારા પ્રસ્થાપિત તમામ કંપનીમાં અમલમાં મુકાયેલ જીઇબી પરિપત્ર નં-1764 તા. 21-5-90, ઇજનેરોના થયેલ ડિટેલ પોસ્ટિંગથી રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સ્ટાફિંગ નોર્મ્સ, જીબીઆ અને જેટકો વચ્ચે થયેલ એમ.ઓ.એમ. તા. 9-3-23ના પોઇન્ટ નં-6, કંપનીના પ્રસ્થાપિત રિકવેસ્ટ ટ્રાન્સફર પોલિસીના નિયમોનો સરેઆમ ભંગ કરનાર છે આ તમામ ઓર્ડર સત્વરે રદ કરવા તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સ્ટાફિંગ નોર્મ્સ મુજબ નવા પ્રસ્થાપિત સબ સ્ટેશન માટેના સ્ટાફની મંજૂરી મળેલ નથી તેમજ નવીન સર્કલ, ઝોન, ટ્રાન્સમિશન, ક્ધસ્ટ્રન્કશન, સિવિલ ડિવિઝન ઇત્યાદી યુનિટ વગેરે મંજૂર કરાયેલ નથી, જેટકોમાં જુનિયર ઇજનેરથી લઇને મુખ્ય ઇજનેર સુધીની ખાલી પડેલ જગ્યા સત્વરે અધિકૃત નોર્મ્સ મુજબ ભરવી. કંપનીમાં ખાલી પડેલ જગ્યાઓને લીધે વધારાના કાર્યભારણના લીધે) ઇજનેર, કર્મચારીઓ પર શારીરિક અને માનસિક સ્થિતિને નુકસાન થવા પામેલ છે., લાંબા સમયથી પડતર પડેલ વર્ગ-1થી 4ના કર્મચારીઓનું હોટલાઇન એલાઉન્સ મંજૂર થયેલ નથી જે સત્વરે મંજૂર કરવું., જીયુવીએનએલ પરિપત્ર નં-2137 તા. 21-12-22 અન્વયે બહાર પાડવામાં આવેલ પર્ફોમન્સ બેઝ્ડ ઇન્સેટિવ સ્કિમના પરિણામ મૂળ સ્વરૂપથી બદલીને બહાર પાડવામાં આવેલ છે. આપવામાં આવેલ પરિણામ નાણાકીય વર્ષ પુરૂં થવાને 3 મહિના બાકી હોય ત્યારે આપવામાં આવેલ છે જે તદ્દન અયોગ્ય બાબત છે. પર્ફોમન્સ ઇન્સેટિવ સ્કિમ-2(પી) કરારના ભાગરૂપે નક્કી કરવામાં આવેલ છે., વિવિધ પત્રો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ મેનેજમેન્ટ તરફથી સ્કિમમાં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી તેવું નોટિસમાં જણાવ્યું છે.

Back to top button