અમદાવાદઃ ટોયલેટની બારી તોડી ભાગેલો આરોપી લીમખેડાથી ઝડપાયોઃ ACP જયેશ બ્રહ્મભટ્ટ
અમદાવાદ 21 જુલાઈ 2024 : થોડા દિવસ અગાઉ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)એન, તથા પોકસો એકટ કલમ ૩(એ), ૪, પ(એલ), ૬, ૭, ૮, ૧૧(૬), ૧૨ તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ ૮૪ જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલો આરોપી સોલા પોલીસ સ્ટેશનની ટોયલેટની બારી તોડીને પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. જેની ગણતરીના દિવસોમાં શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે
ટોયલેટની બારી તોડી નાસી છૂટ્યો
અમદાવાદ શહેર ઝોન 1 એસીપી જયેશ બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 21 વર્ષીય આરોપી મેહુલ નટવર સુરસિંહ પરમાર જે 376 અને પોક્સો એક્ટ કલમ જેવા ગંભીર ગુનામાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર હતો. જે દરમ્યાન તા. 13/07/24 ના કલાક 8/30 વાગ્યાના સમયગાળામાં પોલીસ સ્ટેશન ખાતેથી કુદરતી હાજતે જવાના બહાને ટોઇલેટની બારી તોડી નાસી ગયો હતો જે અંગે તેની વિરુધ્ધમાં અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી જેમાં છેલ્લા અઠવાડીયાથી આ ટીમો આરોપીના રહેણાંક ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આરોપીની શોધખોળ કરી હતી.
ભાઈ પાસેથી ઓનલાઈન નાણા મેળવી દાહોદ ગયો
એસીપી બ્રહ્મભટ્ટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન આરોપી તેના વતન બાજુના અન્ય હાજર મજુરનો મોબાઇલ ફોન મેળવી પોતે કસ્ટડીમાંથી નાસી ગયેલ હોવાનુ જણાવી રસ્તા વચ્ચે જે તે હાજર ઇસમના મોબાઇલ ફોનથી પોતાના ભાઈ નામે રાહુલ પરમારનો સંપર્ક કરી આરોપીએ પોતાના ભાઈ પાસેથી છાપરામાં મળેલા મજુરના મોબાઇલ ફોનમાં ઓનલાઇન નાણા ટ્રાન્સફર કરાવી આર્થીક મદદ મેળવી ત્યાંથી અલગ અલગ વિસ્તાર થઇ ખેડા નડીયાદ ખાતે ગયો અને ત્યાંથી બસમાં બેસીને પોતાના વતન દાહોદ તરફ ગયો હતો
આરોપીને રાત્રિના સમયે ઝડપી પડાયો
એસીપી પટેલે ઉમેર્યું હતું કે પોલીસની ચોક્કસ બાતમી તેમજ ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મોરબી ખાતેથી આરોપીના ભાઈ રાહુલ પરમારને હસ્તગત કરી પૂછપરછ કરવામાં આવી હતી જેનાં થકી આરોપી પોતાના વતન લીમખેડાના દુધીયા ગામના ચિભડીયા ફળીયા ખાતે રોકાયેલો હોવાની હકિક્ત પોલીસને જાણવા મળી હતી. જે જે બાદ લીમખેડા ખાતે રોકાયેલ ટીમને આ અંગે જણાવી સતત સંપર્કમાં રહી રાત્રીના સમયે આરોપીને એ જગ્યા પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો, યાર્ડમાં મગફળીની આવક ઘટી