ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ગુજરાત રાજ્ય સેવા સમિતિ’ નો 36મો વાર્ષિકોત્સવ યોજાયો

અમદાવાદ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ગુજરાત રાજ્ય સેવા સમિતિ’નો 36મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘ગુજરાત રાજ્ય સેવા સમિતિ’ના આદ્યસ્થાપક સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમણે હંમેશા સરકાર અને જનતા વચ્ચે સેતુ બનવાનું કામ કર્યું છે. તેઓ અનેક લોકોના સુખ દુઃખના સાથી બન્યા છે. સુરેન્દ્રસિંહ જેવા ઝુંઝારુ માણસ મરતા નથી, અમર થાય છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આવી સંસ્થાઓએ કર્યું છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ જેવા મુદ્દે જાગૃતતા લાવવાનું પણ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતીને નમન કરું છું, આ ધરતીએ સમયે સમયે અનેક મહાપુરુષોએ જન્મ આપ્યો છે.

પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી આજે આપણે ખાઈ પી રહ્યા છીએ તે શુદ્ધ નથી રહ્યું. યુરિયા ડીએપી કે જે ધરતીના ઓર્ગેનિક કાર્બનને ઘટાડવાનું કામ કરે છે તે નાખીને શાકભાજી – ફળફળાદી પકવી રહ્યા છીએ. રાસાયણિક ખાતર નાખીને ધરતીને ઝેરીલી બનાવી દીધી છે. આજે ભૂમિગત પાણી પણ સલામત રહ્યું નથી. જેનું પરિણામ આજે એ છે કે, કેન્સરના રોગો, હ્રદયના રોગો, કિડનીના રોગો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક રિપોર્ટના આધારે ગ્લોબલ વોર્મિંગનું કારણ રાસાયણિક ખાતર પણ છે.

 

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહ્વાન કરતા કહ્યું કે, આજે રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રતિ માસ 3.50 લાખ ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અને આગામી 2 વર્ષમાં ગુજરાત સો ટકા પ્રાકૃતિક ખેતી વાળો પ્રદેશ બનશે. વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ પ્રકૃતિ સાથે મળીને જીવવું જોઈએ, લડીને નહીં. સુરેન્દ્રસિંહને સાચી શ્રધ્ધાંજલિ એજ હશે કે આપણે સૌ પ્રાકૃતિક ખેતીના આ મિશનમાં જોડાવા સંકલ્પબદ્ધ બનીએ.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી 36 વર્ષ પૂર્વે સ્વ. શ્રી સુરેન્દ્રસિંહ રાજપૂતે સેવાયજ્ઞને માધ્યમ બનાવી ‘ગુજરાત રાજ્ય સેવા સમિતિ’ની સ્થાપના કરી હતી. છેલ્લા 36 વર્ષથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવા ‘ગુજરાત રાજ્ય સેવા સમિતિ કાર્યરત છે. આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, જગરૂપસિંહ રાજપૂત તથા ગુજરાત રાજ્ય સેવા સમિતિના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button