બનાસકાંઠા : ડીસામાં ૩૧ વર્ષ જૂના દશામાના મંદિરે ભાવિકોનો ભારે ઘસારો
બનાસકાંઠા 11 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ પૌરાણિક અને ચમત્કારીક મંદિરો આવેલા છે. જેનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ત્યારે ડીસામાં પણ 31 વર્ષ જૂનું દશામાંનું મંદિર આવેલું છે. જેની સાથે હજારો ભાવિકોની આસ્થા જોડાયેલી છે. હાલમાં ચાલતા દશામાંના વ્રતને લઈ મંદિરે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જેન્તીજી વાઘેલા વર્ષો પહેલા ઘરે નાનકડી ડેરીમાં દશામાની પૂજા અર્ચના કરતા હતા.ઘીમે ધીમે મનોકામના પૂર્ણ થતાં ભાવિકોની આસ્થા મંદિર સાથે જોડાઈને આજે અહીં માતાજીનું ભવ્ય મંદિર આકાર પામ્યું છે.મંદિરે છત્તર અર્પણ કરવાની પરંપરા આજે પણ અહીં ચાલી આવે છે. અષાઢી અમાસથી 10 દિવસ મહિલાઓ દશામાના વ્રતની ઉજવણી કરતી હોય છે. ત્યારે આ દશામાના મંદિરમાં 10 દિવસ ભારે ઘસારો રહે છે. આ મંદિરે સમગ્ર બનાસકાંઠા સહિત રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં મા દશામાના દર્શનાર્થે આવે છે. તેમજ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસના દિવસે માતાજીના પાટોત્સવનું પણ આયોજન કરાય છે. જેમાં હવન તેમજ મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિકો આ પાટોત્સવ મહોત્સવનો પણ લાભ લે છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા મોદી સમાજની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો