- 19થી 21 મે દરમિયાન ચિંતન શિબિર યોજાશે
- કેવડિયા ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર યોજાશે
- સનદી અધિકારીઓને પાંચ જૂથોમાં ચર્ચાસત્રો યોજાવાના છે
PM મોદીના સલાહકાર કેન્દ્રમાં ટોચના અધિકારીઓ ચિંતન શિબિરમાં રાજ્યના IASને ભણાવશે. જેમાં PMના ખાસ ગણાતા ડૉ. અમરજિત સિન્હા ડેવલપમેન્ટ ઇશ્યૂસનો ક્લાસ લેશે. તેમાં નીતિ આયોગના પોષણ વિષયના નિષ્ણાત, IIT પ્રોફેસર, ARTDના સેક્રેટરી વગેરે માર્ગદર્શન આપશે. તથા શહેરીવિકાસ વિષયમાં ઓ.પી.અગ્રવાલ વગેરે માર્ગદર્શન આપશે.
કેવડિયા ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર યોજાશે
વડાપ્રધાન મોદીના સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા ડૉ. અમરજિત સિન્હા રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ડેવલપમેન્ટના વિવિધ વિષયો ઉપર રાજ્યના સનદી અધિકારીઓનો ક્લાસ લેશે. વર્ષ 1983 બેચના બિહાર કેડરના આ આઇએએસ અધિકારી નિવૃત્તિ બાદ 2020-2021ના ટૂંકા ગાળા માટે વડાપ્રધાનના સલાહકાર તરીકે જોડાયા હતા અને અત્યારે તેઓ મહત્ત્વના ગણાતા પબ્લિક એન્ટરપ્રાઇસીસ સિલેક્શન બોર્ડના સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. જેઓ ગ્રામીણ વિકાસના નિષ્ણાત ગણાય છે.
આવતા અઠવાડિયે 19થી 21 મે દરમિયાન ચિંતન શિબિર યોજાશે
આવતા અઠવાડિયે 19થી 21 મે દરમિયાન કેવડિયા ખાતે યોજાનારી રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરમાં ડૉ.અમરજિત સિન્હા ઉપરાંત બીજા વિષય નિષ્ણાતોની સેવા પણ લેવામાં આવનારી છે. કેન્દ્રના વહીવટી સુધારણા અને તાલીમ વિભાગના સેક્રેટરી વી.શ્રીનિવાસ ડિસ્ટ્રિક્ટ ગુડગવર્નન્સ ઇન્ડેક્સ અંગે તાલીમ આપશે. જ્યારે અત્યારે લેટેસ્ટ ગણાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- એઆઇ ટેક્નોલોજીના વહીવટમાં ઉપયોગિતા અંગેની જાણકારી આઇઆઇટી ગાંધીનગરના તજ્જ્ઞ પ્રો.અનિરબન દાસગુપ્તા આપશે.
સનદી અધિકારીઓને પાંચ જૂથોમાં ચર્ચાસત્રો યોજાવાના છે
ચિંતન શિબિરમાં આરોગ્ય અને પોષણ, કર્મચારીઓ-અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા તાલીમ કાર્યક્રમ, પંચાયતસ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ક્ષમતા વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ તેમજ શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ એમ પાંચ વિષયો ઉપર સનદી અધિકારીઓને પાંચ જૂથોમાં ચર્ચાસત્રો યોજાવાના છે, જે દરેક વિષયમાં પણ બહારથી વિષય નિષ્ણાતો લાવવાનું નક્કી થયું છે, જેમાં આરોગ્ય-પોષણ વિષયમાં કેન્દ્રીય નીતિ આયોગના સભ્ય એવા નિયોનેટોલોજી તજ્જ્ઞ ડૉ.વિનોદ પૉલ, શહેરીવિકાસ વિષયમાં ઓ.પી.અગ્રવાલ વગેરે માર્ગદર્શન આપશે તેમ જાણવા મળ્યું છે.