ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 100મો ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ યોજાયો
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 430 મોબાઈલ સહિત રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં આવ્યો
ગાંધીનગર, 6 ડિસેમ્બર: જિલ્લામાં થતી મોબાઈલ ચોરીના મહત્તમ ડિટેક્શન માટે ગાંધીનગર પોલીસ સક્રિયપણે બારીકાઈથી તપાસ કરે છે. તેની સાથે સાથે કેન્દ્ર સરકારની વેબસાઈટ ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર એટલે કે સી. ઈ. આઈ. આર પોર્ટલના માધ્યમથી પોલીસ દ્વારા ચોરીના મોબાઈલની શોધખોળ કરવામાં આવે છે. જે અંતર્ગત શોધી કઢાયેલા મોબાઈલ સહિતના મુદ્દામાલને તેના મૂળ માલિકને સુપરત કરવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા ટાઉનહોલ ખાતે 100મો ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં 430 મોબાઈલ સહિતનો રૂ.1.20 કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોબાઈલ તથા અન્ય ચોરીઓના ભેદ ઉકેલવામાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના DGP વિકાસ સહાય, ગાંધીનગર રેન્જ ડી.આઇ.જી.પી વિરેન્દ્ર યાદવ, ગાંધીનગર મેયર મીરાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા ધારાસભ્ દહેગામ બલરાજસિંહ ચૌહાણ અને પોલીસ અધિકારી કર્મીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી શું કહ્યું?
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, કોર્ટ-કચેરીના ધક્કા કોઈ નાગરિકોને ન થાય તેવા આયોજન સાથે ગાંધીનગર પોલીસે આજે આ કાર્યક્રમ થકી નાગરિકોના ખોવાયેલા 430 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે. રાજ્યના નાગરિકોને સહેજ પણ અગવડતાનો સામનો કરવો ન પડે તેવા ઉદ્દેશ્યને વરેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિચારોને મૂર્તિમંત કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવું છું. મંત્રીએ ઉમેર્યું કે, ફરિયાદી વિશ્વાસથી પોલીસ સ્ટેશન જાય છે, પણ સંપૂર્ણ કાર્યવાહી કરતાં સમય લાગે છે ત્યારે ફરિયાદી પોતાનો વિશ્વાસ ગુમાવે છે, આવા સમયે પોલીસ પોતાનું કાર્ય કરતી જ રહે છે. ફરિયાદીની આશા છૂટી જાય છે, પણ પોલીસે ફરિયાદીને આપેલો વિશ્વાસ તૂટવા ન દેતા પોલીસની આશા અકબંધ રહે છે, તેનું જ પરિણામ એટલે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ.
મંત્રીએ વધુમાં કહ્યું કે, “મંદિરની ચોરીની વાત આસ્થા સાથે જોડાયેલી છે, ભગવાનના દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં વિશેષ આસ્થાનું મૂલ્ય છે અને આ આસ્થાને બચાવવા સરકાર અને પોલીસ સતત કટિબદ્ધ છે.” ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ જનતાને આપેલી સૌથી મોટી ભેટ ગણાવતા મંત્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુ પાછી મળી રહે તેવા પ્રયત્નની ફલશ્રૃતિ છે. પહેલાની વાત કરવામાં આવે તો ચોરાયેલો કે ખોવાયેલો મુદ્દામાલ મળવો ખૂબ મુશ્કેલ હતો. જો ચોરને પકડવામાં આવે તો પણ પૂરેપૂરો સામાન ક્યારેય પાછો મળી શકતો ન હતો. પણ હવે આજનો સમય બદલાયો છે, પોલીસ હાથો હાથ સ્ટેજ પર માનભેર માલિકને તેમનો માલસામાન પરત કરે છે.” ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 860 મોબાઈલ તથા ચોરીનો મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ.5.61 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ કામગીરી બદલ મંત્રીએ ગાંધીનગર એસ.પી તથા સમગ્ર જિલ્લાની પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જે કામગીરી કરવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, આપણા ગાંધીનગરના કોઈપણ ખૂણે આ દુષણ પ્રસરે નહીં તે જોવાની જવાબદારી પણ પોલીસની છે, અને આ માટે તેમણે કટિબદ્ધતાથી કાર્ય કરવાનું છે. માત્ર ચોરી અટકાવી કે ચોરી કરેલો સામાન પાછો મેળવવો એ જ કાર્ય પોલીસનું નથી, પરંતુ કોઈપણ ગુનો ફરી બને નહીં અને નાગરિકોમાં વિશ્વાસ જાગે તે પણ આપણી જવાબદારી છે. લોક સહયોગ અને લોકોની સુરક્ષા માટે નાનામાં નાના વિષયો સાથે સુરક્ષાની દિશામાં સફળતાપૂર્વક કામગીરી કરી બદલાવ લાવવા બદલ મંત્રીશ્રીએ રાજ્યના ડી.જી.પી શ્રી વિકાસ સહાયને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીએ કહ્યું કે, “સામાન્ય નાગરિક પ્રત્યે પોલીસ દ્વારા વ્યવહારિક રીતે વર્તન થાય તે પણ ખૂબ જરૂરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો જ્યારે પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમના માન સન્માનની જવાબદારી પણ સૌ પોલીસ કર્મીઓની છે. પણ ગુનેગાર મહેમાન બની જલસા ન કરે એ પણ આપણે સતર્ક બનીને જોવાનું છે.” આ સાથે જ હળવાશભરી શૈલીમાં તેમણે જણાવ્યું કે, “પોલીસ કર્મીઓને આપેલો ડંડો છૂટથી વાપરવો જ જોઈએ તે હું જવાબદારી પૂર્વક જણાવું છું.“ સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “ગુનેગાર જે ભાષા સમજે તે ભાષામાં તેમને સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય.” જો કોઈપણ ગુનેગાર કે માથાભારે તત્વ રાજ્ય સરકારની જમીન જાગીર પર કબજો કરશે તો તેનો સૌથી મોટો દુશ્મન હું છું તેમ જણાવતા ઉમેર્યું હતું કે, “હું કડક હોવાની સાથે ન્યાયપ્રિય પણ છું..”
ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ શું કહ્યું?
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘પોલીસ પ્રજાની મિત્ર છે. પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવા માટે આ કાર્યક્રમ છે. ત્યારબાદ તેમણે ગાંધીનગર જિલ્લા પોલીસની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પણ જૂઓ: ગુજરાતમાં 1.19 કરોડ મહિલાઓના જીવનમાં મોદીની આ પહેલ લાવી “ખિલખિલાટ”