ગુજરાતી ફિલ્મો પર સરકાર મહેરબાન, અત્યાર સુધીમા કરી આટલી મદદ

વિધાનસભા ખાતે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજી પટેલે કહ્યુ હતુ કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે. અમે અત્યાર સુધીમાં રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે 189 ગુજરાતી ચલચિત્રોને 47 કરોડની આર્થિક સહાય ચૂકવી છે.
189 ગુજરાતી ચલચિત્રોને 47 કરોડની આર્થિક સહાય
રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 189 ગુજરાતી ચલચિત્રોને 47 કરોડની આર્થિક સહાય ચૂકવવામા આવી છે. આ સાથે ચાલુ વર્ષે 43 ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે તેમ પમ તેઓએ જણાવ્યુ હતુ. ફિલ્મોના સ્ક્રિનિંગ માટે કાર્યરત તજજ્ઞોની કમિટી દ્વારા સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ સહાય ચૂકવવામા આવે છે.
ફિલ્મોને ગ્રેડ મુજબ સહાય
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે અને વર્ષ 2019માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અંતર્ગત ફિલ્મોને ગ્રેડ મુજબ સહાય આપવામા આવે છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા 75 લાખ, A ગ્રેડ માટે 50 લાખ, B ગ્રેડ માટે 40 લાખ, C ગ્રેડ માટે 30 લાખ, D ગ્રેડ માટે રૂપિયા 20 લાખ, E ગ્રેડ માટે 10 લાખની સહાય અને અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને 5 લાખની આર્થિક સહાય ચૂકવવામા આવે છે.
તજજ્ઞ કમિટી દ્વારા ચકાસણી
વધુમા તેઓએ જણાવ્યુ હતુ કે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ બનાવવામા આવી છે. જેમાંથી જરૂરિયાત અનુસારના સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટીમા મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગ્રેડ આપવામાં આવે છે. આ ગ્રેડ આધારે સહાય આપવામાં આવે છે.
બે વર્ષમાં 128 અરજીઓમાંથી 43 ફિલ્મોને સહાય
મંત્રીએ જણાવ્યુ હતુ કે આ અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ મળી હતી તે પૈકી 43 ફિલ્મોને સહાય ચૂકવવાના આદેશ આપી દેવામા આવ્યા છે. બાકીની પડતર અરજીઓને પણ જલ્દી સહાય ચૂકવાશે.આ પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે 200 થી 1000 જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે છે. તેમા થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ , દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક