થલપતિ વિજયની ‘લિયો’એ રિલીઝ પહેલા તોડ્યો શાહરૂખનો રેકોર્ડઃ બમ્પર ઓપનિંગ માટે રેડી!
- થલપતિ વિજયની પહેલી પેન ઇન્ડિયા ફિલ્મ ‘લિયો’ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે અને તેનો ક્રેઝ જોવા જેવો છે. યુકેની બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગથી જ ‘લિયો’એ શાહરૂખની ‘પઠાણ’નો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે.
ચેન્નઈઃ સાઉથના મોટા સ્ટાર્સમાં સામેલ થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’નો ક્રેઝ એક અલગ જ લેવલ પર જઈ રહ્યો છે. વિજયની ગણતરી તમિલ સિનેમાના ટોચના સ્ટાર્સમાં થાય છે, પરંતુ અત્યાર સુધી તેની ફિલ્મો સાઉથ સુધી જ સીમિત હતી. ‘લિયો’ તેની પ્રથમ પેન ઈન્ડિયા રિલીઝ છે અને આ ફિલ્મનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
‘લિયો’નું દિગ્દર્શન લોકેશ કનગરાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ‘કૈથી’ અને ‘વિક્રમ’ સાથે પોતાનું એક અલગ યુનિવર્સ તૈયાર કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ‘લિયો’ની કહાની પણ આ યૂનિવર્સ સાથે જોડાવા જઇ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે, જે એક લોકપ્રિય કલાકાર છે. વિજયની આ ફિલ્મ માટે ભારતમાં થોડા દિવસ પહેલા એડવાન્સ બુકિંગ શરૂ થઇ ચૂક્યું છે. જ્યારે વિદેશોમાં બુકિંગ ગયા મહિનેથી શરૂ થયું હતું. માત્ર એડવાન્સ બુકિંગથી જ ‘લિયો’એ એક એવો રેકોર્ડ તોડ્યો છે, જેને તોડવાની આશા શાહરૂખ સિવાય કોઇની પાસે કરવામાં આવતી ન હતી.
#Leo From Tomorrow 🧊🔥 @actorvijay pic.twitter.com/7Gg0BmPCeZ
— #LEO OFFICIAL (@TeamLeoOffcl) October 18, 2023
યુકેમાં સૌથી મોટી ઓપનિંગ લેનારી ભારતીય ફિલ્મ
19 ઓક્ટોબરે રિલીઝ થવા જઇ રહેલી ‘લિયો’ માટે યૂકેમાં ધુંઆઘાર એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. માત્ર પહેલા દિવસના એડવાન્સ બુકિંગથી જ ફિલ્મે એટલી કમાણી કરી છે કે યૂકેમાં સૌથી વધુ ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ બની ચુકી છે.
યૂકેમાં કોઇ ભારતીય ફિલ્મનું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન શાહરૂખ ખાનના નામે હતું. વિદેશમાં ભારતનો સૌથી મોટો સ્ટાર માનવામાં આવતા શાહરૂખની ‘પઠાણ’ને ત્યાં સૌથી મોટી ઓપનિંગ મળી હતી. ‘પઠાણ’એ પહેલા દિવસે યુકેમાં 3.22 કરોડનો બિઝનેસ કર્યો હતો, ‘લિયો’એ એડવાન્સ બુકિંગથી 3.23 કરોડનું કલેક્શન કરી લીધું છે.
ભારતમાં પણ શાનદાર ઓપનિંગ માટે તૈયાર છે ‘લિયો’
‘લિયો’ની પહેલા જ દિવસે 3 લાખ થી વધુ એડવાન્સ ટિકિટ બુક થઇ ચુકી છે. આ તાબડતોડ બુકિંગથી અત્યાર સુધી ફિલ્મે રીલીઝ પહેલા જ 6 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ વર્ષે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ રજનીકાંતની ‘જેલર’ છે. તેમાં 8.5 લાખથી વધુ ટિકિટ તો એડવાન્સમાં જ બુક થઇ ગઇ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે 48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચોઃ પ્રેગનન્સીની અફવાઓ વચ્ચે અનુષ્કા શર્માનો જુનો વીડિયો વાઇરલઃ શું છોડી દેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી?