થલપતિના ફેન્સ માટે ખુશખબર: 7 મહિનાના વિવાદ બાદ સીએમ વિજયની ફિલ્મ ‘જન નાયગન’ને મળ્યું સર્ટિફિકેટ

Thalapathy Vijay: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય એટલે કે સુપરસ્ટાર થલપતિ વિજયના ફેન્સ માટે આખરે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. તેમની છેલ્લા 7 મહિનાથી સેન્સર બોર્ડમાં અટકેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જન નાયગન’ (Jana Nayagan) ને આખરે સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને ‘A’ (એડલ્ટ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ મંજૂરી મળતાની સાથે જ હવે આ ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાના આરે છે.
મહિનાઓથી અટક્યું હતું સેન્સર સર્ટિફિકેટ
થલપતિ વિજયની ફિલ્મ ‘જન નાયગન’ પહેલા 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી. સક્રિય રાજકારણમાં સંપૂર્ણપણે પ્રવેશતા પહેલા, વિજય પોતાની આ આખરી ફિલ્મને જનતા અને પોતાના ચાહકો માટે એક યાદગાર ભેટ તરીકે સોંપવા માંગતા હતા. પરંતુ સેન્સર બોર્ડ દ્વારા તેને પાસ કરવામાં આવી રહી નહોતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મની વાર્તાથી વિજયને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સીધો રાજકીય ફાયદો મળી શકે તેમ છે. આ ઉપરાંત, ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો હતા જેની સામે સેન્સર બોર્ડને વાંધો હતો. એવો દાવો કરાયો હતો કે આ સીન્સથી ભારતીય સેના અને કોમી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આ જ મુખ્ય કારણોસર સેન્સર બોર્ડે મહિનાઓ સુધી સર્ટિફિકેટ અટકાવી રાખ્યું હતું.
હાઈકોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી ચાલી કાનૂની લડાઈ
ફિલ્મના પ્રોડ્યુસર્સ અને મેકર્સ આ વિવાદને લઈને મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં સિંગલ જજ બેન્ચે ફિલ્મને તાત્કાલિક ‘U/A 16+’ સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ નિર્ણય પણ થોડા જ કલાકોમાં બદલાઈ ગયો હતો. ત્યારબાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરીને આ કેસ પર સત્વરે નિર્ણય લેવા માટે મામલો ફરી મદ્રાસ હાઈકોર્ટને સોંપ્યો હતો. હાઈકોર્ટે આખરે એવો નિર્ણય આપ્યો કે વિવાદાસ્પદ સીન્સની ઝીણવટભરી તપાસ માટે સેન્સર બોર્ડને પૂરતો સમય મળવો જોઈએ. આ લાંબી પ્રક્રિયા દરમિયાન મે 2026માં થલપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા, છતાં સેન્સર બોર્ડે કોઈ ઉતાવળ કર્યા વિના પોતાનો પૂરો સમય લીધો અને હવે આખરે ફિલ્મને લીલી ઝંડી આપી છે.
ઓનલાઈન લીક થતાં મચ્યો હતો ભારે હોબાળો
સેન્સર બોર્ડના વિલંબની વચ્ચે આ ફિલ્મ સોશિયલ મીડિયા અને પાઇરેટેડ વેબસાઇટ્સ પર ઓનલાઇન લીક થઇ ગઇ હતી, જેનાથી સિનેમા જગતમાં ભારે હોબાળો મચી ગયો હતો. આશરે 1.2 કરોડથી વધુ લોકોએ ગેરકાયદેસર રીતે વિજયની આ ફિલ્મ જોઈ નાખી હતી અને તેનું એક ફેક સેન્સર સર્ટિફિકેટ પણ વાયરલ થયું હતું. મેકર્સે ત્યારે આક્ષેપ કર્યો હતો કે સેન્સર બોર્ડમાંથી જ કોઈએ જાણીજોઈને ફિલ્મ લીક કરી છે.
હાલમાં ફિલ્મમેકર્સ તરફથી ઓફિશિયલ રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. પરંતુ અહેવાલો અનુસાર, આશરે 3 કલાક અને 3 મિનિટ લાંબી આ શાનદાર પોલિટિકલ-ડ્રામા ફિલ્મ આગામી 23 કે 24 જુલાઈના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ખામેનીના અંતિમ સંસ્કાર વચ્ચે અમેરિકાનો હુમલો, ઈરાનમાં વધ્યું તણાવ
આ પણ વાંચોઃ વાદળી પાણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ગુલાબી તળાવ, જાણો કુદરતનો ચમત્કાર કે વિજ્ઞાન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












