ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં ફાયર NOC મુદ્દે ટેક્સટાઇલ માર્કેટની દુકાનો સીલ, વેપારીઓ રસ્તા પર ઉતર્યા

સુરત, 07 જૂન 2024, રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની એનઓસી અને સર્ટિફિકેટનો જ્યાં પણ અભાવ જણાય ત્યાં સીલ મારવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના કારણે સુરતના રિંગરોડ ઉપર આવેલા ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને સીલ મારી દેવાતાં વેપાર ખોરવાઈ ગયો છે. જેથી આજે હજારોની સંખ્યામાં વેપારીઓએ ચક્કાજામ કરી દીધો છે. આવકના સ્ત્રોત જ બંધ થઈ જતાં વેપારીઓ દ્વારા આજે જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.SMC દ્વારા એનઓસી અને સર્ટિફિકેટના અભાવને કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રિંગરોડ વિસ્તારની ટેક્સટાઇલ માર્કેટોની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું.

રિંગરોડ ઉપર ભયંકર ટ્રાફિકજામ સર્જાયો હતો
આજે સવારે વેપાર બંધ થઈ જવાથી વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને માર્કેટનું સીલ ખોલવા માટેની માગણી શરૂ કરી હતી. જેના કારણે રિંગરોડ ઉપર ભયંકર ટ્રાફિકજામ સર્જાયો હતો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો સૌથી મોટું સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો કોર્પોરેશનની ઓફિસમાં દોડી ગયા હતા. હજારોની સંખ્યામાં વેપારીઓ દ્વારા બીયુ પરમિશનના અભાવને કારણે સીલ મારી દેવાની કામગીરીનો વિરોધ નોંધવાનો શરૂ કર્યો હતો.વેપારીઓનું કહેવું છે કે જ્યારે માર્કેટની દુકાનો ખરીદવામાં આવી હતી ત્યારે બિલ્ડર દ્વારા BU સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે કે કેમ? એની અમે તપાસ કરી ન હતી. વર્ષો બાદ હવે બિલ્ડરની ભૂલના કારણે અમારા ધંધા પર ખૂબ મોટી અસર થઈ રહી છે. દર મહિને જીએસટી સહિતના ટેક્સ પણ ચૂકવવાના હોય છે.માર્કેટની દુકાનો સીલ થઈ જતાં અમારો ધંધો બંધ થઈ ગયો છે.

10 હજાર કરતાં વધારે નાના-મોટા કામદારો રસ્તા પર
વેપારીઓનો રોષ જોતાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વેપારીઓએ કહ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી અમારી માર્કેટ બંધ છે એના કારણે આખી વેપારની ચેઇન તૂટી ગઈ છે. 10 હજાર કરતાં વધારે નાના-મોટા કામદારો રસ્તા પર આવી ગયા છે. જ્યારે માર્કેટ ખોલવામાં આવશે ત્યારે અધિકારીઓ દ્વારા જે પણ પરવાનગીની વાત કરવામાં આવી રહી છે એને મેળવવા માટે પણ અમે પ્રયાસો કરીશું પરંતુ માર્કેટ જ ખોલવામાં નથી આવી રહી બિલ્ડર દ્વારા જો BU સર્ટિફિકેટ લેવામાં ન આવ્યું હોય તો અમારો કોઈ વાંક નથી. સરકાર કોઈપણ પક્ષની હોય ભાજપની કે કોંગ્રેસની અમારી માંગણી છે કે તાત્કાલિક અસરથી માર્કેટ શરૂ કરવામાં આવે અને અમને થોડો સમય આપવામાં આવે.

મેયરે મુશ્કેલી દૂર કરવાની હૈયાધારણા આપી
મેયર દક્ષેશ માવાણીએ મીડિયાને કહ્યું હતું કે, આજે સુરત રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના હોદ્દેદારો મને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે માર્કેટ સીલ કરી દેવામાં આવી છે, ઓફિસો પણ સીલ છે, એના કારણે જીએસટી ભરવા માટેની પ્રોસેસ પણ અમે કરી શકતા નથી, વેપાર પણ બંધ થઈ ગયો છે. નાના કર્મચારીઓનો પગાર પણ ચૂકવાય એવી સ્થિતિ નથી અને તેમણે કહ્યું છે કે જે પણ કોર્પોરેશનના નિયમ મુજબ આવતું હશે એ મુજબની કામગીરી અમે થોડા સમયની અંદર પૂર્ણ કરી આપીશું. આ તમામ બાબતોને સાંભળ્યા બાદ મેં તેમને હૈયા ધરપત આપી છે કે સરકાર સુધી તેમની વાત ઝડપથી પહોંચાડીને તેમની જે મુશ્કેલી થઈ રહી છે એને દૂર કરવાનો પ્રયાસ કરીશ.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું

Back to top button