ટેક્સટાઇલ ઉદ્યોગકારો એક જ માંગ, ઉદ્યોગને વેગ માટે એ– ટફ સ્કીમને ફરીથી શરૂ કરાવામાં આવે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફિઆસ્વી દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના ઉદ્યોગકારો સાથે ઓફલાઇન અને ઓનલાઇન મિટીંગ મળી હતી. જેમાં SGCCIના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસિંગ એસોસીએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા (ઓનલાઇન), સચીન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી મયૂર ગોળવાલા, વેડરોડ વિવર્સ એસોસીએશનના ઉપ પ્રમુખ ભુપેન્દ્ર ચાહવાલા, અનિલ દલાલ, દીપ પ્રકાશ અગ્રવાલ, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ સંદીપ દુગ્ગલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
SGCCIના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, એ– ટફ સ્કીમ બંધ થઇ ગઇ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ટીટીડીએ નવી સ્કીમ લાવવામાં આવી રહી છે ત્યારે આ સ્કીમ કેવી હોવી જોઇએ તેના સૂચનો મેળવવા માટે આજની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના આગેવાનોએ ચેમ્બર તથા ફિઆસ્વી સમક્ષ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ચારેક હજાર આધુનિક મશીનો પાઇપલાઇનમાં છે તેમજ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટરના ડેવલપમેન્ટ હેતુ એ– ટફ સ્કીમ યોગ્ય હતી તે વિષે ચર્ચા થઇ હતી. આથી ટીટીડીએસ તાત્કાલિક ધોરણે અમલમાં મુકવી અને ટીટીડીએસ અમલમાં મુકાય ત્યાં સુધી એ–ટફ સ્કીમને 1 એપ્રિલ–2022 એટલે કે પાછલી તારીખથી ઇફેકટ આપીને ચાલુ રાખવી જોઇએ તેવી માંગ ઉદ્યોગકારોએ કરી હતી.
આ પણ વાંચો : ભારતીય શેરબજારમાં 1 ટકાનો વધારો,આ 4 કારણોએ માર્કેટની તેજીમાં આપ્યું યોગદાન
જેથી કરીને એ–ટફ સ્કીમને ફરીથી ચાલુ કરવા માટે તથા તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવા માટે ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાની હેઠળ ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા ટેકસટાઇલના તમામ સેકટરના આગેવાનોને સાથે રાખીને નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે તેમ મિટીંગના અંતે નકકી થયું હતું.