ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

મિશન 2024 પહેલા કૉંગ્રેસના ‘ચિંતન’ની કસોટીઃ 11 રાજ્યોની ચૂંટણીનો જંગ ‘લિટમસ ટેસ્ટ’

Text To Speech

ઉદયપુરની ચિંતન શિબિરમાં મિશન 2024 માટે કોંગ્રેસે રણનીતિ બનાવી લીધી છે. પરંતુ, 2024ની ચૂંટણી પહેલા કૉંગ્રેસે 11 રાજ્યોની ચૂંટણી કસોટીમાંથી પસાર થવું પડશે. આ તમામ રાજ્યોની ચૂંટણી કૉંગ્રેસ માટે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાની લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી છે.

ઉદયપુરની ચિંતન શિબિરમાં 2024માં રાજકીય વાપસી માટેના સંઘર્ષની બ્લુ પ્રિન્ટ કૉંગ્રેસે તૈયાર કરી લીધી છે. ત્રણ દિવસના ઉંડા ચિંતન બાદ સંગઠનમાં મહત્વના સુધારા, જનતા સાથે સીધો સંપર્ક અને શેર સંઘર્ષને રાજકીય વાપસીના મંત્ર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. કૉંગ્રેસની ‘ચિંતન બેઠક’ની અસલી કસોટી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા દેશના 11 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં થશે. કૉંગ્રેસ જો વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં સફળ નહીં રહે તો, પક્ષ માટે આગામી રાજકીય પથ પર ચાલવું મુશ્કેલ બની જશે.

2024 પહેલા 11 રાજ્યોમાં ચૂંટણી
2024ની લોકસભાની ચૂંટણી પહેલા જે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થશે. તો, વર્ષ 2023માં પહેલા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી થશે અને ત્યારબાદ 2023ના મે મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી યોજાશે. આ સિવાય, વર્ષ 2023ના અંતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

2024 પહેલા 11 રાજ્યોમાં ચૂંટણી

કૉંગ્રેસના નવ સંકલ્પ ચિંતન શિબિરમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું. કૉંગ્રેસની પહેલી હરોળના મોટાભાગના નેતાઓએ 2024માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા 11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવવા પર ધ્યાન આપવાનું જણાવ્યું. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ સ્પષ્ટ રીતે કહ્યું કે પક્ષ જો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નહીં જીતે તો 2024ની લોકસભાની ચૂંટણીનો જંગ કૉંગ્રેસ માટે મુશ્કેલ રહેશે. આ માટે, તમામ લોકોને એકજૂટ થઈને ચૂંટણીની તૈયારી કરવી પડશે. કૉંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે સંગઠનની મજબૂતી પર ધ્યાન આપવું પડશે.

કૉંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી મહત્વની કેમ?
2024 પહેલા દેશમાં જે 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, તેના પરિણામોની અસર લોકસભાની ચૂંટણી પર પડશે. એવામાં 2024ની લિટમસ ટેસ્ટ તરીકે વિધાનસભાની ચૂંટણીને જોવામાં આવી રહી છે. ભાજપ પાંચ રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ પોતાની રાજકીય જાળ પાથરવામાં વ્યસ્ત છે અને પોતાના સંગઠનને વધુ મજબૂત કરી રહ્યું છે. જેના ભાગરૂપે ભાજપે ગુજરાત બાદ ત્રિપુરાના મુખ્યમંત્રીને પણ બદલી નાંખ્યા છે, જેથી સત્તા વિરોધી લહેરને માત આપી શકાય.

મધ્યપ્રદેશમાં ભાજપ સંગઠને મંત્રીને બદલ્યા છે. સંગઠન મંત્રી રહેલા સુહાસ ભગતને સંઘમાં પરત લીધા છે. તેની સાથે સંગઠન મંત્રી તરીકે કામ કરી રહેલા હિતાનંદ શર્માને સંગઠન મંત્રીનું દાયિત્વ આપવામાં આવ્યું છે. BJP-RSSએ સાથે મળીને સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં કૉંગ્રેસ માટે 11 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવો મોટો પડકારી બની રહેશે.

Back to top button