ટેસ્લાની એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે, સરકારે આપ્યા સંકેત
- ટેસ્લાની ટૂંક સમયમાં ભારતમાં થશે એન્ટ્રી
- કંપની જાન્યુઆરીમાં જ ગુજરાત, ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ સ્થાપી શકે છે
ગાંધીનગર, 29 ડિસેમ્બર: ઘણા સમયથી એલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં આવવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાઓ વચ્ચે એક રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી ટૂંક સમયમાં થઈ શકે છે. ટેસ્લા ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ આવતા વર્ષે જાન્યુઆરીમાં જ સ્થાપિત કરી શકે છે. ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની છે. જેના માલિક એલોન મસ્કને ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને વાયબ્રન્ટ સમિટમાં જ ટેસ્લાના પહેલા પ્લાન્ટની જાહેરાત થઈ શકે છે.
EV ઉત્પાદક તેના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે જમીન માટે ગુજરાત સરકાર સાથે વાટાઘાટ કરી રહી છે. ટેસ્લાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાણંદમાં સ્થપાય તેવી શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં ટેસ્લાનો પ્લાન્ટ લગાવી શકાય છે, ત્યાં ટાટા મોટર્સ જેવી કાર ઉત્પાદકો પહેલેથી જ છે. આવી સ્થિતિમાં ટેસ્લા માટે ભારતમાં બિઝનેસ પડકારરૂપ બની શકે છે. અન્ય ભારતીય કાર ઉત્પાદકો જેમ કે મારુતિ સુઝુકી અને MG મોટરના પણ ગુજરાતમાં પ્લાન્ટ છે.
ટેસ્લા અંગે સરકારનો શું છે જવાબ?
અહીં ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલેનું કહેવું છે કે જો એલોન મસ્ક ગુજરાત આવશે તો તેમને સરકાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. જો કે હજુ વાટાઘાટો ચાલી રહી છે અને થોડા દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તેમણે કહ્યું કે ફોર્ડ અને ટાટાના પણ ગુજરાતમાં પ્લાન્ટ છે, જેને રાજ્ય દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
અગાઉ મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્ક થોડા દિવસો પહેલા અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી ટેસ્લાએ ફરી એકવાર ભારતમાં મોટું રોકાણ કરવામાં રસ દાખવ્યો. જો કે, ભારતમાં ઊંચી આયાત ડ્યુટીને કારણે ટેસ્લાએ લગભગ એક વર્ષ પહેલા ભારતમાં રોકાણ ન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે કંપનીનું વલણ બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ટેસ્લા વૈશ્વિક સ્તરે તેની કારોનું વેચાણ કરે છે
એલોન મસ્કની ટેસ્લા કંપની હાલમાં ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારોનું વેચાણ નથી કરતી, જેનું મુખ્ય કારણ ઊંચી આયાત જકાત છે. વૈશ્વિક સ્તરે ટેસ્લા પાસે Model 3, Model S, Model Y અને Model X ઘણી સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે.
આ પણ વાંચો: મોંઘવારીથી મળશે રાહત ! પેટ્રોલ-ડીઝલમાં રૂ.6 થી રૂ.10 નો ઘટાડો કરવાની હિલચાલ