રામલલા પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ ભાજપ ઑફિસ ઉડાવવાની આતંકીઓની યોજના હતી
બેંગલુરુ, 9 સપ્ટેમ્બર, 2024: આતંકવાદીઓએ અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને દિવસે જ બેંગલુરુમાં ભાજપ કચેરી ઉપર બોંબ ફેંકી તે ઉડાવી દેવાની યોજના બનાવી હતી તેમ NIA દ્વારા દાખલ ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે. આજે એનઆઈએએ બેંગ્લુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ કહ્યું છે કે બ્લાસ્ટ પાછળ આઇએસઆઇએસના (ISIS) આતંકીઓનો હાથ છે. તેની ચાર્જશીટમાં મુસાવીર હુસૈન શાજીબ, અબ્દુલ મથિન અહમદ તાહા, માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
એજન્સી NIAએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે શાજીબે કાફેમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. અહમદ તાહાએ પણ આમાં તેની મદદ કરી હતી. બંને પહેલા આઇએસઆઇએસ સાથે જોડાયેલા હતા. બંને આતંકીઓ આઇએસઆઇએસની વિચારધારા ફેલાવતા હતા અને તેમાં અન્ય મુસ્લિમ યુવાનોને સામેલ કરવા માટે અભિયાન ચલાવતા હતા. અન્ય બે આરોપીઓ- માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફ એ યુવાનો છે જેમને તેમના દ્વારા ફસાવવામાં આવ્યા હતા.
તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ કરતા પહેલા બંને આતંકીઓએ હજુ ઘણા હુમલાની યોજના બનાવી હતી પરંતુ તેમાં સફળતા મળી નહોતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગને દિવસે 22 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રદેશ ભાજપ કાર્યાલયમાં આઈઈડી વિસ્ફોટ કરવાની પણ યોજના બનાવી હતી.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આરોપી તાહા અને શાજીબને ક્રિપ્ટોકરન્સી દ્વારા તેમના હેન્ડલર્સ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. એ નાણા તેઓએ વિવિધ ટેલિગ્રામ આધારિત પી 2 પી 2 પી પ્લેટફોર્મની મદદથી રૂપાંતરિત કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ નાણાંનો ઉપયોગ આરોપીએ બેંગલુરુમાં હિંસા ફેલાવવા માટે કર્યો હતો. આ ઉપરાંત ભાજપ કાર્યાલય, મલ્લેશ્વરમ, બેંગ્લુરુમાં બ્લાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આ પછી બંને મુખ્ય આરોપીઓએ રામેશ્વરમ કાફે બ્લાસ્ટની યોજના બનાવી હતી.
આ પણ વાંચોઃ બોની કપૂરની ઉપસ્થિતિમાં સંસ્કાર ભારતીના સિનેટૉકીઝ 2024 પોસ્ટર અને વેબસાઇટનું અનાવરણ