કશ્મીરી પંડિતોને આતંકી ધમકી, કાશ્મીર બહાર પણ પીછો કરવાની ULCની ચેતવણી

Terrorist Threat To Kashmiri Pandits: કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓને ફરી એકવાર આતંકી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા શેડો ફ્રન્ટ ગ્રુપ તરીકે ઓળખાતા યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ (ULC) દ્વારા કથિત રીતે એક ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં 6 સરકારી કર્મચારીઓના નામ અને ફોન નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓને નિશાન બનાવવાની ધમકી
ધમકીભર્યા પત્રમાં ખાસ કરીને સરકારી વિભાગો, જેમાં રેવન્યુ વિભાગનો પણ સમાવેશ થાય છે, તેના પર નજર રાખવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિભાગોમાં સરકારી પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિત કર્મચારીઓ પણ તૈનાત છે.
ગ્રુપે કથિત રીતે ચેતવણી આપી છે કે જો આતંકવાદીઓને સમર્થન આપતા લોકો અથવા યુવાનોની મિલકત જપ્ત કે સીઝ કરવામાં આવશે, તો સુરક્ષા કર્મચારીઓ અને વહીવટી તંત્ર સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘જમ્મુમાં શિફ્ટ થવાથી પણ સુરક્ષા નહીં મળે’
ધમકીભર્યા પત્રમાં કાશ્મીરી પંડિતોને કથિત રીતે ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કાશ્મીર ખીણમાંથી જમ્મુમાં શિફ્ટ થશે તો પણ તેઓ હુમલાથી સુરક્ષિત નહીં રહી શકે.
પત્રમાં કથિત રીતે કહેવામાં આવ્યું છે કે જરૂર પડ્યે કાશ્મીરની બહાર પણ તેમનો પીછો કરવામાં આવશે. કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ના બહાને છૂટ નહીં મળે તેવી પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પરિવાર અને ઠેકાણાની માહિતી હોવાનો દાવો
ધમકીભર્યા પત્રમાં કથિત રીતે દાવો કરવામાં આવ્યો છે કે સંગઠન પાસે નિશાન બનાવવામાં આવેલા કર્મચારીઓ અંગે વ્યક્તિગત માહિતી છે. તેમાં તેમના પરિવારના સભ્યો અને તેમના ઠેકાણાની માહિતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી વ્યક્તિગત માહિતી જાહેર કરવાનો હેતુ કર્મચારીઓની ઓળખ છતી કરીને તેમને ટાર્ગેટેડ હુમલાઓ માટે નિશાન બનાવવાનો હોઈ શકે છે.
7 ઓગસ્ટ 2026ની તારીખવાળો પત્ર
કથિત ધમકીભર્યા પત્ર પર 7 ઓગસ્ટ 2026ની તારીખ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમાં જે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેઓ સરકારી કર્મચારીઓ અને કાશ્મીરી પંડિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ધમકી સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ મળી હતી ધમકી
કાશ્મીરી પંડિત કર્મચારીઓને ધમકી મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ ફેબ્રુઆરી 2026માં પણ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કાશ્મીરી પંડિતોને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
હાલમાં કાશ્મીરમાં બે બિન-સ્થાનિક મજૂરો અને એક પોલીસ કોન્સ્ટેબલની કથિત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ આ નવી ધમકી સામે આવી છે. તેથી સુરક્ષા એજન્સીઓ આ મામલાને વધુ ગંભીરતાથી લઈ રહી છે.












