લશ્કર-એ-તૈયબા મોડ્યુલના આતંકવાદીની નવી દિલ્હી રેલવે સ્ટેશને ધરપકડ
નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી : દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના સક્રિય મોડ્યુલના એક કથિત સભ્યની ધરપકડ કરી છે. અધિકારીઓએ આજે મંગળવારે આ માહિતી આપી હતી. આ મોડ્યુલ કુપવાડા, જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ નિયંત્રણ રેખા (એલઓસી) પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિટાયર્ડ આર્મી કર્મચારી છે. અને તેનું નામ રિયાઝ અહેમદ છે.
આતંકી ષડયંત્ર
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રિયાઝને LoC પારથી હેન્ડલર્સ દ્વારા હથિયારો અને દારૂગોળો મોકલવામાં આવ્યા હતા અને તે ખુર્શીદ અહેમદ અને ગુલામ સરવર સાથે આતંકવાદી ષડયંત્રમાં સામેલ હતો. તેમજ, જમ્મુ અને કાશ્મીરની તપાસ એજન્સીઓ પાસેથી વિશેષ માહિતી મળી હતી કે રિયાઝ અહેમદ તાજેતરમાં પકડાયેલા આતંકવાદી મોડ્યુલ કેસમાં પણ વોન્ટેડ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે તાજેતરમાં કુપવાડા મોડ્યુલમાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી અને 5 એકે રાઇફલ્સ, 5 એકે મેગેઝિન, 16 નાની એકે સહિતની સામગ્રી રિકવર કરી હતી.
⚡️⚡️Major terror plot foiled. Lashkar-e-Taiba operative, Riyaz Ahmed, arrested from New Delhi railway station.pic.twitter.com/lxRHQVN6LS
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 6, 2024
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ઝડપાયો આતંકવાદી
આ હથિયારો અને દારૂગોળો પીઓકે સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ મંજૂર અહેમદ શેખ ઉર્ફે શકૂર અને કાઝી મોહમ્મદ ખુશાલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એવી માહિતી મળી હતી કે રિયાઝ અહેમદ ફરાર છે અને તે વહેલી તકે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે. પોલીસ ટીમે રિયાઝને 4 જાન્યુઆરીની સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ નંબર 1 પરથી પકડી લીધો હતો જ્યારે તે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતો હતો. આ અંગે આરોપીએ જણાવ્યું કે તે તેના મિત્ર અલ્તાફ સાથે જબલપુરથી મહાકૌશલ એક્સપ્રેસમાં ચઢ્યો હતો અને 3 જાન્યુઆરીના રોજ લગભગ 3 વાગ્યે હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી તે ઓટો લઈને નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસને માહિતી અપાઈ
રિયાઝ અહેમદ પર ખુર્શીદ અહેમદ પાસેથી હથિયાર અને દારૂગોળો લીધાની શંકા છે. યુસુફ અને ગુલામ સરવર બંનેની આ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રિયાઝ અહેમદ અને તેનો મિત્ર અલ્તાફ 31 જાન્યુઆરી 2023ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. રિયાઝ અહેમદની કાયદાકીય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે આ અંગે જમ્મુ અને કાશ્મીરના સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને વધુ કાર્યવાહી માટે પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : રેલવેમાં નોકરી આપવાના નામે 21 કરોડ લૂંટ્યા, પોલીસે જાળ પાથરી આરોપીને ઝડપી લીધો