ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીરના નૌશેરામાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 2 આતંકી ઠાર

શ્રીનગર, 9 સપ્ટેમ્બર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. જો કે સુરક્ષાદળો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તાજેતરનો મામલો નૌશેરાના સામાન્ય વિસ્તારનો છે, જ્યાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છેઃ આ ઓપરેશન 8મી સપ્ટેમ્બરે રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું.

 

શું છે સમગ્ર મામલો?

વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. જે મુજબ, સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે, ભારતીય સેના દ્વારા 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ નૌશેરાના લામના સામાન્ય વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે અને મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી મળી આવી છે. ઓપરેશન હજુ ચાલુ છે.

2 સપ્ટેમ્બરે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો

આ પહેલા 2 સપ્ટેમ્બરે પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ પહેલા 29 ઓગસ્ટના રોજ કુપવાડામાં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન માછિલ અને તંગધારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન પણ 28 અને 29 ઓગસ્ટની વચ્ચે રાત્રે શરૂ થયું હતું.

14 ઓગસ્ટના રોજ ડોડામાં કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. આ અથડામણ દરમિયાન એક આતંકી પણ માર્યો ગયો હતો. આ પહેલા 16 જુલાઈના રોજ ડોડામાં એક મોટું ઓપરેશન થયું હતું, જેમાં કેપ્ટન સહિત 5 જવાનો શહીદ થયા હતા.

હાલમાં જ રક્ષા મંત્રીએ આપ્યું હતું મોટું નિવેદન

રવિવારે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના રામવનમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. રામવનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે આ નિવેદન આપ્યું હતું.

રાજનાથે કહ્યું હતું કે, કોંગ્રેસ-NC ગઠબંધન કહે છે કે તે આર્ટીકલ 370ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે, યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર છે.

આ પણ જૂઓ: ‘કોંગ્રેસ છોડી દો નહીંતર….’; બજરંગ પુનિયાને વોટ્સએપ પર મળી ધમકી

Back to top button