જમ્મુ-કાશ્મીરઃ શાંત ખીણોમાં સતત બીજા દિવસે આતંકવાદીઓએ કાયરતા દાખવી છે. બડગામમાં આતંકવાદીઓએ ટીવી મહિલા અભિનેત્રીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ હુમલામાં મહિલાનું મોત થયું છે. હુમલામાં તેનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો. આ પહેલાં મંગળવારે શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.
એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ અભિનેત્રી અમરીન અને તેના 10 વર્ષના ભત્રીજા પર હિશરુ ચદૂરા સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. જ્યાં અમરીનનું મોત થયું હતું. જ્યારે દસ વર્ષના ભત્રીજાને હાથમાં ગોળી વાગી છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, ઘટના સાંજે લગભગ 7.55 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. J&K પોલીસે ટ્વિટ કર્યું, “આતંકવાદીઓએ મહિલા અમરીન ભટ નિવાસી હુશ્રુ ચદૂરા પર તેમના ઘરે ગોળીબાર થયો છે. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘરમાં હતો. તેના હાથમાં એક ગોળી છે.” બીજી તરફ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ અમરીનની હત્યા અંગે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, “અમરીન ભટ પર થયેલા ઘાતક આતંકવાદી હુમલાથી આઘાત અને ખૂબ દુઃખ. દુઃખની વાત છે કે, અમરીનએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેનો ભત્રીજો આ હુમલામાં ઘાયલ થયો. નિર્દોષ મહિલાઓ અને બાળકો પર આ રીતે હુમલો કરવો ક્યારેય યોગ્ય સાબિત ન થયો.”
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરનું ચદૂરા શહેર છે જ્યાં 10 મેના રોજ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સાત મહિનામાં માર્યા ગયેલા તે બીજા કાશ્મીરી પંડિત હતા. મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીરના એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં કોન્સ્ટેબલની પુત્રીને પણ ઈજા થઈ હતી.