- શ્રદ્ધાળુઓની બસ શિવખોડી ગુફા તરફ જતી હતી
- બસ ઉપર ફાયરીંગ થતાં ખાડીમાં પડી હતી
નવી દિલ્હી, 9 જૂન : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી ગુફાના તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં અનેક જાનહાનિ થવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા છે. આ આતંકવાદીઓનું એ જ જૂથ છે, જે રાજૌરી, પૂંચ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે. એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે આતંકવાદીઓએ શિવખોડીથી કટરા જઈ રહેલી પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો હતો.
ફાયરિંગના કારણે બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ખાઈમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી. તેઓ સ્થાનિક નથી. શિવખોડી તીર્થસ્થળને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે અને વિસ્તારને નિયંત્રણમાં લેવામાં આવ્યો છે. આ ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે.