નેશનલ

26 વર્ષ જૂના કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ

હરિયાણાના રોહતકમાં થયેલા બોમ્બ વિસ્ફોટના આરોપી આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને શુક્રવારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સરકારી એજન્સીઓ તેની સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી ન હતી. તમને જણાવી દઈએ કે 1997માં રોહતકમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એડિશનલ સેશન્સ જજ રાજકુમાર યાદવની કોર્ટે કહ્યું હતું કે ટુંડા વિસ્ફોટોમાં તેની સંડોવણી સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. તેથી પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આતંકવાદી કરીમ ટુંડાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે 1996ના સોનીપત બોમ્બ બ્લાસ્ટ કેસમાં અજમેર સેન્ટ્રલ જેલમાં બંધ છે.

આ પણ વાંચો : હિંડનબર્ગ-અદાણી વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે પારદર્શિતા ઈચ્છીએ છીએ’

પોલીસના જણાવ્યા અનુસાર, રોહતકમાં 1997માં જૂની શાક માર્કેટમાં એક શેરી વિક્રેતા પાસે બ્લાસ્ટ થયો હતો. બીજો બ્લાસ્ટ કિલો રોડ પર થયો હતો. આ બોમ્બ વિસ્ફોટોમાં લગભગ 20 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી ટુંડાનો જન્મ ઉત્તર પ્રદેશના પિલખુઆ ગામમાં થયો હતો. આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેના સાત બાળકો છે. આરોપીનો મોટો પુત્ર આશરે 58 વર્ષનો છે અને સૌથી નાનો પુત્ર 12 વર્ષનો છે. તેણે પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી. તેની સામે દેશમાં 30થી વધુ કેસ નોંધાયેલા છે. આમાં હૈદરાબાદ, અમજેર અને ગાઝિયાબાદમાં વધુ કેસ છે. ટુંડા ઓગસ્ટ 2013માં નેપાળ બોર્ડર પરથી પકડાયો હતો.

Back to top button