ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, જંગી દારૂગોળા સાથે 2ની ધરપકડ

  • રાજૌરીમાં બુધલના બેહરોટ વિસ્તારમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ 
  • હથિયારો, દારૂગોળો, વાંધાજનક સામગ્રી, આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બેની ધરપકડ

જમ્મુ કાશ્મીર, 7 ડિસેમ્બર : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બુધલના બેહરોટ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ હથિયારો, દારૂગોળો, વાંધાજનક સામગ્રી તેમજ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 17 નવેમ્બરના રોજ રાજૌરીના બુધલ પોલીસ સ્ટેશન વિસ્તારના બેહરોટે ગલી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ માંમળે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી આવી હતી અને પૂછપરછ માટે બે સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે તેના આતંકવાદીઓ સાથે કનેક્શન છે. આ સાથે જ ખબર પડી કે આ બંને આતંકીઓ માટે સક્રિય રીતે કામ કરતા હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બંને આરોપીઓની કરવામાં આવી ઓળખ

બંને આરોપીઓની ઓળખ બુધલના બેહરોત વિસ્તારના રહેવાસી મોહમ્મદ નઝીર અને ગુલેર વિસ્તારના રહેવાસી ફારૂક અહેમદ તરીકે થઈ છે. આરોપીઓની પૂછપરછ કર્યા પછી, પોલીસ અને CRPFએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને બુધલના બેહરોત નાળામાંથી હથિયારો, દારૂગોળો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. સુરક્ષા દળોએ આરોપીઓ પાસેથી 1 પિસ્તોલ, 2 પિસ્તોલ મેગેઝિન, 28 પિસ્તોલની ગોળીઓ, 2 હેન્ડ ગ્રેનેડ, 1 બેગ, 1 યુનિફોર્મ, 1 પ્લાસ્ટિક બેલ્ટ, 1 પોલિશીટ,1 કેપ,7 પાટો,1 હોટ સ્ટ્રીપ, 1 સિરીંજ, 1 ઇલેક્ટ્રિક ટેસ્ટર જપ્ત કર્યા છે.

અગાઉ આતંકીઓ સાથે અથડામણમાં બે કેપ્ટન સહિત ચાર સેનાના જવાનો શહીદ

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રાજૌરી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે કેપ્ટન સહિત ચાર સેનાના જવાનો શહીદ થયા હતા. સેનાને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે બે આતંકીઓ ફસાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. ગોળીબારમાં બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. સર્ચ ઓપરેશનમાં સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રોપર્સે પણ ભાગ લીધો હતો. પરંતુ આતંકીઓ ઓચિંતો છાપો મારીને બેઠા હતા. જેવી સેના તે આતંકીઓની નજીક પહોંચી કે આતંકીઓએ સેના પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધો.

આ પણ જુઓ :આતંકી યાસીન મલિકને મૃત્યુદંડની NIAની માંગ, કેસની સુનાવણી ફેબ્રુઆરી સુધી ટળી

Back to top button