T20 World Cup પર આતંકવાદી હુમલાનો ભય, આયોજકોએ સબ સલામતની ખાતરી આપી
6 મે, પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનારા ICC T20 World Cup પર હવે આતંકવાદનો પડછાયો પડી ગયો છે. જો કે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે સબ સલામત હોવાની ખાતરી આપતાં સુરક્ષાની સંપૂર્ણ અને કડક વ્યવસ્થા હોવાનું જણાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપની મેચોમાં હુમલાની ધમકી ઉત્તર પાકિસ્તાનમાંથી આવી છે. વેસ્ટ ઇન્ડિઝના તમામ ટાપુઓને જાહેર કરવામાં આવેલા ચેતવણીરૂપ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS) મીડિયાના સૂત્રોએ વિવિધ ખેલ ઈવેન્ટ્સ માટે હિંસાત્મક પ્રવૃત્તિઓની ધમકી આપી છે. આ પ્રકારની ધમકી એક વિડીયો દ્વારા પ્રાપ્ત થઇ છે જે ISની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા IS ખોરાસાન (IS-K) દ્વારા આપવામાં આવી છે. આ ધમકીમાં અનેક દેશોમાં થતી ખેલ ઈવેન્ટ્સમાં હિંસા ફેલાવવાની ધમકી ઉપરાંત એ દેશોમાં રહેતા પોતાના સમર્થકોને જેહાદ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.’
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના CEO જોની ગ્રેવ્ઝે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ‘અમે તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ અને એ બાબતની ખાતરી કરી રહ્યા છીએ કે આવનારી ટુર્નામેન્ટને કઈ કઈ બાબતોથી ખતરો હોઈ શકે છે. અમે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશો અને અન્ય સાથીદારોને એ ગેરંટી આપીએ છીએ કે તેમની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને એ બાબતે અમારી એક વિસ્તૃત યોજના તૈયાર પણ છે.’
ત્રિનિદાદના અખબારમાં અહિંના વડાપ્રધાન કિથ રોલીનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર કેરિબીયન રાષ્ટ્રોની સુરક્ષા એજન્સીઓ આ T20 World Cup પર તોળાઈ રહેલા ખતરાથી અવગત છે અને તેઓ આ બાબતે ગંભીરતાથી કાર્ય કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર વર્લ્ડ કપની સુરક્ષા અંગે બાર્બાડોઝની સ્થાનિક સિક્યોરીટી એજન્સી સતત નજર રાખી રહી છે.
ડેઈલી એક્સપ્રેસ અખબારના રિપોર્ટ અનુસાર ઇસ્લામિક સ્ટેટના (દાઈશ) મીડિયા ગ્રુપ નાશિર પાકિસ્તાન દ્વારા આ ધમકી આપવામાં આવી છે. નાશિર-એ-પાકિસ્તાન એ ઇસ્લામિક સ્ટેટ ગ્રુપની આધિકારિક પ્રોપેગેન્ડા ચેનલ છે.
ગયા વર્ષે ભારતમાં રમાયેલા ICC World Cupની મેચો બાબતે પણ આ પ્રકારની ધમકીઓ મળી હતી, ખાસ કરીને અમદાવાદમાં રમાયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ બાબતે.
વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં 1 થી 29 જૂન દરમ્યાન T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝના એન્ટીગા એન્ડ બાર્બુડા, બાર્બાડોઝ, ગયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડીન્સ, ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં, જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં રમાવાનો છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે અમેરિકામાં રમાનાર એક પણ મેચ માટે આતંકવાદી ધમકી આપવામાં આવી નથી.