- બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં શનિવારે બની હતી ઘટના
- ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે હુમલાની નિંદા કરી
- અગાઉ જાન્યુઆરીમાં પણ બની હતી હિંસાની ઘટના
બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં શનિવારે પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા ચાર સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર, 1 એપ્રિલ, 2023ના રોજ કેચ જિલ્લાના જલગાઈ સેક્ટરમાં પાકિસ્તાન-ઈરાન સરહદ પર ઈરાનના આતંકવાદીઓના એક જૂથે પાકિસ્તાની સુરક્ષા દળોની નિયમિત સરહદ પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે હુમલાની નિંદા કરી છે. તેમણે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે દેશના પુત્રો પોતાની ભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી રહ્યા છે. આખો દેશ તેમને સલામ કરે છે. આતંકવાદ સામેની લડાઈમાં દેશ એકજૂટ છે.
અગાઉ પણ 4 જવાનો થયા હતા શહિદ
આ પહેલા જાન્યુઆરીમાં બલુચિસ્તાનના પંજગુર જિલ્લામાં પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ચાર સુરક્ષા જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને વિદેશ કાર્યાલયે ઈરાનને દોષિતોને સજા કરવા અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
પાકિસ્તાનમાં નાસભાગના કેસમાં આઠની ધરપકડ
પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે થયેલી નાસભાગના કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન પોલીસે શનિવારે કહ્યું કે તમામની ધરપકડ બંદરીય શહેર કરાચીમાંથી કરવામાં આવી છે. હકીકતમાં, ભૂતકાળમાં રમઝાન ખાદ્ય વિતરણ કેન્દ્રમાં નાસભાગમાં બાળકો અને મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.