શ્રીનગરની ઈદગાહમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં J&K પોલીસના એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે આતંકવાદીઓએ ઈદગાહ પાસે ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળીબાર કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ સીસીટીવીની તપાસમાં વ્યસ્ત
સૂત્રોનું માનીએ તો પોલીસકર્મીઓ તે સમયે ક્રિકેટ રમતા હતા. આ હુમલાની જવાબદારી ટીઆરએફ-લશ્કરે લીધી છે. હવે પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. નોંધનીય છે કે ઈદગાહમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઈન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી હતી. તેને સારવાર માટે SMHS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આતંકવાદી હુમલાની આશંકા ધરાવતા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે
આ પહેલા ગત ગુરુવારે પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. લગભગ અઢી વર્ષ બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બીએસએફ પર મોર્ટાર હુમલો પણ થયો હતો. જોકે, તે દિવાલમાં ઘુસી ગયો હતો. સેના પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે.
બીએસએફે પણ જવાબી કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે લગભગ 8 વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ તરફથી અચાનક ગોળીબાર થયો હતો. આ પછી મોર્ટાર વડે હુમલો પણ થયો હતો. આ પછી BSFએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ અરનિયા સેક્ટરમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી હતી.