સુરતમાં ભયંકર અકસ્માત સર્જાયો: લક્ઝરી બસ ડ્રાઈવરે એક બાદ એક 8 વાહનોને ઉડાવ્યા
સુરત, 18 ઓકટોબર, સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતનાં કામરેજ ખાતે ટોલ પ્લાઝા નજીક લકઝરી બસ ચાલક બેફામ રીતે બસ હંકારી 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ટોલ નાકાથી ડ્રાયવર વાહનોને ઉડાડતો કામરેજ સુધી પહોંચ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તેમજ વાહનમાં બેઠેલ લોકોને ગંભર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, સ્થાનિકો દ્વારા બસના ચાલકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલ ઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. નેશનલ હાઇવે 48 પર લક્ઝરી બસ બેફામ બની હતી. કામરેજ ટોલ પ્લાઝાથી ડ્રાઈવર વાહનોને ઉડાવતો કામરેજ સુધી આવ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. આ અકસ્માતમાં કાર, સાયકલ, રિક્ષા સહિતનાં વાહનોને અડફેટે લેતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો.
આ પણ વાંચો..વડોદરા: હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગનો પર્દાફાશ, ત્રણ સાગરીતો ઝડપાયા