સાયબર ઠગાઈનો ભોગ બનેલા 9 લોકોને ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત 2.07 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી

ગાંધીનગર, તા. 25 માર્ચ, 2025: ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા હતા. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકોએ ગુમાવેલા નાણાં રિફંડ મેળવવામાં આવ્યા હતા. આ નાણાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેક એપ્લિકેશન, બોગસ લિંક, ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓટીપી ફ્રોડ જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના નાગરિકોએ ગુમાવ્યા હતા. સાયબર ઠગાઈનો શિકાર બનેલા આ ૯ વ્યક્તિઓને આજે આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૨.૦૭ કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે.
શું છે મુખ્ય ઉદ્દેશ
‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે. આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચીજવસ્તુઓ પરત મળે તેવા પ્રયત્નોની ફલશ્રુતિ છે.
‘તેરા તુજકો અર્પણ’ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે, જે રાજ્યના નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઈમના આઈ.જી.પી શ્રી પરીક્ષિતા રાઠોડ, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના એસ.પી. ધર્મેન્દ્ર શર્મા અને ભરતસંગ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, જાણો કેવી છે તબિયત