ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહ્યો છે તણાવ, જો બાઇડને નેતન્યાહુને આપી ચેતવણી

Text To Speech
  • ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરતા પહેલા કાળજીપૂર્વક વિચારે: અમેરિકા 

નવી દિલ્હી, 15 એપ્રિલ: ઈરાને રવિવારે ઈઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો, જે બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈઝરાયેલનું સમર્થન કરતા કહ્યું હતું કે, ‘અમે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છીએ’ તેમજ અમેરિકાએ ઈઝરાયલને ચેતવણી આપી છે કે, ‘તેઓ જવાબી કાર્યવાહી અંગે કાળજીપૂર્વક વિચારે.’ G7 બેઠક બાદ અમેરિકાએ પોતાનો સૂર બદલ્યો છે. બીજી તરફ, G7ના સભ્યો ત્રીજા વિશ્વ યુદ્ધના ભયને લઈને ઈઝરાયેલ અને ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બધાએ સર્વાનુમતે આ તણાવનો કોઈને કોઈ રીતે અંત લાવવા સૂચના આપી છે. અમેરિકાએ ઈઝરાયેલને ફરી વિચારવાની સલાહ આપી છે.

અમેરિકાએ આપી ચેતવણી 

અહેવાલો મુજબ, યુનાઈટેડ સ્ટેટ્સે કહ્યું છે કે, તે ઈરાન પર કોઈ પણ ઈઝરાયલી જવાબી હુમલામાં સામેલ થશે નહીં, પ્રમુખ જો બાઈડને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કોઈપણ ઉગ્રતા વિશે “સાવધાનીપૂર્વક વિચારવાની” ચેતવણી આપી છે. અમેરિકી પ્રમુખ જો બાઈડને ટ્વિટ કરીને લખ્યું છે કે, “આજે, મેં મારા સાથી G7 નેતાઓને ઈઝરાયલ વિરુદ્ધ ઈરાનના અભૂતપૂર્વ હુમલા અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા. અમે આ ક્ષેત્રમાં સ્થિતિને સ્થિર કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

UN સેક્રેટરી જનરલે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન સાથે કરી હતી વાત 

રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન, ઈરાનના વિદેશ પ્રધાનોએ મધ્ય પૂર્વમાં વધતા તણાવ સામે ચેતવણી આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સના સંરક્ષણ સચિવ લોયડ જે. ઑસ્ટિન IIIએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “મેં આજે આ સપ્તાહના અંતમાં ત્રીજી વખત ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સાથે વાત કરી હતી અને ઇઝરાયેલને બચાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયેલ અને તેમના સહયોગીઓ દ્વારા સફળ સંયુક્ત ઓપરેશનની સમીક્ષા કરી હતી.”

UN  સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કરીને લખ્યું કે, “મધ્ય પૂર્વ યુદ્ધની અણી પર છે. મિડલ ઈસ્ટના લોકો સંપૂર્ણ રીતે વિનાશક એવા સંઘર્ષના વાસ્તવિક ખતરાનો સામનો કરી રહ્યા છે. હવે તણાવને ઓછો કરવાનો સમય આવી ગયો છે.”

આ પણ જુઓ: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, કારમાંથી મળ્યો મૃતદેહ

 

Back to top button