ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં તંગદિલીઃ જોધપુરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ

  • જોધપુરના સૂરસાગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પોલીસે પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે

જોધપુર, 22 જૂન: રાજસ્થાનના જોધપુરના સૂરસાગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયા બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વેસ્ટ (DCP) આલોક શ્રીવાસ્તવે સૂરસાગર, પ્રતાપનગર, દેવનગર, પ્રતાપનગર સદર અને રાજીવ ગાંધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. જ્યાં સુધી વિસ્તારમાં શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અહીં કલમ 144 લાગુ રહેશે. સાંપ્રદાયિક સૌહાર્દ અને સદ્ભાવનાને ખલેલ પહોંચાડવાના ભયને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ

અહેવાલો અનુસાર, બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી ત્યારે પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, એક દુકાનને આગ લગાડવામાં આવી અને બે વાહનોને નુકસાન થયું છે. ડીસીપીએ જણાવ્યું કે સુર સાગર વિસ્તારમાં રાજારામ સર્કલ પાસે ઇદગાહની પાછળની બાજુએ ગેટ બનાવવાને લઈને શુક્રવારે રાત્રે અથડામણ થઈ હતી. ગેટ બનાવવાનો વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે પોલીસે હળવા બળનો ઉપયોગ કરીને લોકોના ટોળાને ત્યાંથી દુર કર્યા હતા અને ટીયર ગેસના ચાર-પાંચ શેલ પણ છોડ્યા હતા. શુક્રવારે મોડી રાત સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.

 

બદમાશોને પકડવા પોલીસ પાડી રહી છે દરોડા

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, શનિવારે સવારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને ‘રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબલરી’ દળ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર રાજેન્દ્ર સિંહે કહ્યું કે બંને પક્ષોની ફરિયાદના આધારે બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બંને પક્ષના લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિસ્તારમાં દરોડા પાડી રહી છે.

કેમ શરુ થયો વિવાદ?

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ઈદગાહના પાછળના ભાગમાં ગેટ બનાવવા માટે દિવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ પછી વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને પથ્થરમારો, આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભીડને વિખેરવા માટે હળવા બળનો ઉપયોગ કર્યો હતો અને કેટલાક લોકોએ રસ્તાના કિનારે પાર્ક કરેલા ટ્રેક્ટરને આગ લગાવી દીધી હતી અને વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ભીડે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે બંને સમુદાયના હાજર લોકોની મદદથી થોડીવાર માટે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ અચાનક પથ્થરમારો થતાં સ્થિતિ ફરી તંગ બની ગઈ હતી.

આ પણ વાંચો: જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માગણી કરી

Back to top button