શિવ મંદિરમાં મૂર્તિઓ ખંડિત થતાં તંગદિલી, શકમંદ આરોપીઓની અટકાયત
બરેલી, 21 જુલાઈ, 2024: ઉત્તરપ્રદેશના બેરલીના એક શિવ મંદિરમાં આજે દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત જોવા મળતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. હિન્દીભાષી રાજ્યોમાં આવતીકાલે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને તે પહેલાં આજે સવારે શ્રદ્ધાળુઓ નિત્યક્રમ મુજબ શિવ મંદિર પહોંચ્યા ત્યારે ત્યાં દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમાઓ જોઈને આઘાત પામી ગયા હતા.
શિવ મંદિરની પ્રતિમાઓ ખંડિત થઈ છે એવા સમાચાર મળતાની સાથે જ અન્ય શ્રદ્ધાળુઓ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરો પણ તત્કાળ મંદિર પહોંચ્યા હતા. જોકે, એ દરમિયાન પોલીસને પણ સમાચાર મળી જતાં તત્કાળ ત્યાં પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
મળતા અહેવાલ મુજબ, પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને કેટલાક લોકોની અટકાયત કરી છે. સ્થાનિક પોલીસ અધિકારી અનીતા ચૌહાણે માહિતી આપી હતી કે, કેટલાક અસામાજિક તત્વોએ સામુદાયિક વાતાવરણ બગાડવા માટે મૂર્તિઓ ખંડિત કરી છે. આ અંગે તપાસ શરૂ થઈ છે અને આસપાસના સીસીટીવીના રેકોર્ડિંગ જોવામાં આવી રહ્યા છે.
આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…
આ પણ વાંચોઃ બજેટ સત્ર પહેલા સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, TMC નહીં લે ભાગ; જાણો કારણ