બોટાદ જિલ્લામાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ

- બોટાદ જિલ્લાના ઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે
બોટાદ, ૨૪ ફેબ્રુઆરી: ૨૦૨૫: બોટાદ જિલ્લાના લાઠીદડ અને પાળીયાદ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રોનાં જર્જરિત મકાનો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાઠીદડના આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે રૂ. ૬.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પાળિયાદમાં રૂ. ૬.૬૦ કરોડના ખર્ચે બોટાદ જિલ્લામાં બે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બોટાદ જિલ્લાના આ સામુહિક આરોગ્ય કેન્દ્ર અંગે મંત્રીએ લાઠીદડની વિગતો આપતાં જણાવ્યું કે આરોગ્ય વિભાગના તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૦ના ઠરાવથી લાઠીદડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી, સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે તેમજ આ માટે જરૂરી વધારાનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. નવા સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે IPHS(INDIAN PUBLIC HEALTH STANDARDS-2022)ના ધારાધોરણ મુજબ સીએચસી માટે કુલ ૭૫૦૦ ચો.મી.થી ૧૦૦૦૦ ચો.મી. જગ્યાની જરૂરિયાત રહે છે. જ્યારે મંજૂર થયેલ પ્લાન મુજબ તાલુકા કક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ ૧૮૦૦ ચો.મી.થી ૨૩૦૦ ચો.મી. બાંધકામ કરવાનું થાય છે.
આ અંગે બોટાદ કલેક્ટર દ્વારા મે, ૨૦૧૪ના હુકમથી વધુ ૧૦ હજાર ચો.મી. જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. પરિણામે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ ૧૯૦ ચો.મી.નું બાંધકામ થતાં, હયાત સામુહિક આરોગ્ય કેન્દ્રનું કુલ ક્ષેત્રફળ ૪૫૦ ચો.મી. જેટલું થાય છે અને તાંત્રિક દૃષ્ટિએ મકાનની સ્થિતિ હાલમાં સારી છે તેમજ વપરાશપાત્ર છે. જ્યારે નવીન મકાનના બાંધકામ માટે ૧૫મા નાણાં પંચમાંથી ૬.૬૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે બોટાદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રના કેમ્પસની કુલ આશરે ૩૦૦૦ ચો.મી.ની જગ્યામાં ૨૮૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકે અપગ્રેડ કરવામાં આવતાં, વધારાની સેવાઓ માટે વધુ ૩૦૦ ચો.મી.ના બાંધકામ સાથે હાલના હયાત સામુહિક આરોગ્ય કેન્દ્રનું કુલ ક્ષેત્રફળ ૫૮૦ ચો.મી. જેટલું થાય છે. જ્યારે નવીન બાંધકામ માટે મંજૂર થયેલા પ્લાન મુજબ તાલુકાકક્ષાની આરોગ્ય વિષયક સુવિધા માટે કુલ ૧૮૦૦ ચો.મી. થી ૨૩૦૦ ચો.મી. બાંધકામ કરવાનું થાય છે. પરિણામે, આ આરોગ્ય કેન્દ્રના વર્ટિકલ એક્સપાન્શન માટે કુલ આશરે ૬.૬૦ કરોડના ખર્ચે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે બોટાદ જિલ્લામાં કુલ-૧૧૧ આયુષ્માન આરોગ્ય મંદિર છે. જેમાં ૮૪ પેટા આરોગ્ય કેન્દ્ર, ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૬ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને ૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્યરત્ છે. જેમાં ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત બાળક અને શિશુઓની આરોગ્ય – સંભાળસેવાઓ, બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાની આરોગ્ય – સંભાળસેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભ નિરોધક સેવાઓ, ચેપી રોગોની સારવાર, બિનચેપી રોગોની તપાસ, આંખ, કાન, નાક, ગળાની સારવાર, મોઢાના રોગ અને માનસિક બીમારીઓની તપાસ અને સામાન્ય સારવાર તેમજ ઇમર્જન્સી તબીબી સેવાઓ આપવામાં આવે છે.
આ પણ વાંચો..અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્ય અંગે રાજ્ય સરકારની અગત્યની સ્પષ્ટતા