
- રૂ.10 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે
- નવો પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે
- પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં ટોચની રેન્ક ઉપર મુકાઈ જશે
રાજ્યમાં 24 નવા GIDC વસાહત ઉભી કરવાની બિડિંગ (બોલી લગાવવાની) પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાથી આગામી દિવસોમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ગતિએ આગળ વધશે. આ 24 GIDC વસાહત ઉભી કરવા પાછળ અંદાજે રૂ.10,000 કરોડનું રોકાણ થશે અને આ પ્રોજેક્ટ આ વર્ષના અંતે શરૂ થઇ શકે છે. જે નવી એસ્ટેટ ઊભી થશે તેને સેક્ટર મુજબ અલગ અલગ રીતે ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત ટોચની રેન્કમાં મૂકાઇ જશે.
તમામ પ્રોજેક્ટ સરકારી જમીન ઉપર બનશે
જે નવી GIDC વસાહત સ્થપાવાની છે તેમાં બલ્ક ડ્રગ પાર્ક, એગ્રો પાર્ક, સી ફૂડ પાર્ક, મેડિસીન ડિવાઇસ પાર્ક અને છ જનરલ પાર્કનો સમાવેશ થાય છે. રાજ્યના ઉદ્યોગ ખાતાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સૂચિત નવી 24 GIDC વસાહતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. આ તમામ GIDC માટે રાજ્ય સરકાર જમીન આપે તેથી કોઇની પણ ખાનગી જમીન લેવાનો પ્રશ્ર્નો રહેતો નથી.
ક્યાં સ્થળે ? કયો પ્રોજેક્ટ ? આવશે
ભરૂચ જિલ્લાના જંબુસરમાં જે બલ્ક ડ્રગ પાર્ક ઊભો થવાનો છે તે તમામ પાર્કની તુલનાએ સૌથી મોટો હશે, કેમ કે આ પાર્ક 817 હેક્ટર જમીનમાં ઊભો થવાનો છે જેની પાછળ રૂ.3000 કરોડનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પાર્ક માટે ખાતમુહૂર્ત કર્યું હતું અને તે એક અત્યંત આધુનિક પાર્ક બની રહેશે એમ અધિકારીએ કહ્યું હતું. ગુજરાત પાસે ઘણો મોટો દરિયાકિનારો હોઇ ગુજરાત સરકાર બે સી ફૂડ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. એક પાર્ક વલસાડમાં ઊભો કરાશે જ્યારે બીજો પોરબંદરમાં ઊભો કરાશે. પોરબંદરમાં રૂ.89.80 કરોડના ખર્ચે ઊભો થનારો પાર્ક 35 હેક્ટર જમીનમાં ઊભો થરો જ્યારે વલસાડમાં રૂ.29.23 કરોડના ખર્ચે સ્થપાનારો પાર્ક 22.98 હેક્ટર જમીનમાં બનો. 2024થી વેહિકલ સ્કેપ પોલીસી (જૂના વાહનોને ભંગારમાં કાઢી નાંખવા)નો અમલ શરૂ કરવા ગુજરાત સરકાર ભાવનગર નજીક અલંગ શીપ યાર્ડ પાસે રૂ.87.09 કરોડના ખર્ચે એક સ્ક્રેપેજ પાર્ક ઊભો કરવાની યોજના ધરાવે છે.
રાજકોટને મેડિકલ ડીવાઈસ પાર્ક મળશે
તદ્ઉપરાંત રાજકોટમાં 135.59 હેક્ટર જમીનમાં રૂ.82.43 કરોડના ખર્ચે મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થપાશે. સિરામીક્સ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મોરબીમાં રૂ.40 કરોડના ખર્ચે સિરામીક્સ પાર્ક ઊભો કરવામાં આવશે. આ નવી ઔદ્યોગિક વસાહતો થકી હજારો લોકોને નોકરી, રોજગારી મળશે. સરકારની આ નીતિના પગલે રાજ્યમાં જંગી રોકાણો પણ આવશે અને સરકાર આ નવા પ્રોજેક્ટ ઊભી કરવા ટૂંક સમયમાં પોલિસી ઘડી કાઢશે.