ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મંદિરો પિકનિક સ્પોટ નથી: મદ્રાસ હાઈકોર્ટે બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક વલણ અપનાવ્યું

મદુરાઈ (તમિલનાડુ), 31 જાન્યુઆરી: તમિલનાડુના મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે મંગળવારે તમિલનાડુના HR&CE વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિન-હિન્દુઓને મંદિરોના ‘કોડીમારામ’ (ધ્વજમંડળ) વિસ્તારની આગળ જવાની મંજૂરી નથી. હિન્દુઓને તેમનો ધર્મ પાળવાનો મૂળભૂત અધિકાર છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટિસ એસ શ્રીમાથીએ ડી સેંથિલકુમારની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો.

‘મંદિર કોઈ પિકનિક સ્પોટ કે ટૂરિસ્ટ સ્પોટ નથી’

કોર્ટે કહ્યું, ‘ જે લોકો હિન્દુ ધર્મમાં નથી માનતા તેમને કોડીમારામથી આગળ ન જવા દેવામાં આવે. જો કોઈ બિન-હિન્દુ કોઈ ચોક્કસ દેવતાના દર્શન માટે આવે છે, તો સત્તાવાળાઓએ વ્યક્તિ પાસેથી એફિડેવિટ લેવું પડશે કે તે દેવતામાં વિશ્વાસ ધરાવે છે અને હિન્દુ ધર્મના રિવાજો અને પ્રથાઓનું પાલન કરશે તેમ જણાવવું પડશે.’ કોર્ટે કહ્યું કે આવી બાંયધરી સાથે બિન-હિન્દુઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી શકાય છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ તમામ બાબતો મંદિર સત્તાવાળાઓ દ્વારા જાળવવામાં આવેલા રજિસ્ટરમાં નોંધવામાં આવશે. તેમજ કોર્ટે ટકોર કરતા જણાવ્યું કે, મંદિર કોઈ પિકનિક સ્પોટ કે ટૂરિસ્ટ સ્પોટ નથી.

હાઈકોર્ટે અગાઉની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો

હાઈકોર્ટે મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશની કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે અન્ય ધર્મના કેટલાક લોકોએ અરુલમિઘુ બ્રહ્ડેશ્વર મંદિર પરિસરને પિકનિક સ્પોટ માન્યું હતું અને ત્યાં માંસાહારી ભોજન લીધું હતું. તેવી જ રીતે, 11 જાન્યુઆરી 2024ના રોજ એક અખબારના અહેવાલ મુજબ, અન્ય ધર્મના લોકોનું એક જૂથ મદુરાઈના અરુલમિઘુ મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં “તેમના પવિત્ર પુસ્તક” સાથે ગર્ભગૃહમાં પ્રવેશ્યું અને ત્યાં તેમની પ્રાર્થના કરવાનો પ્રયાસ કર્યો.  ન્યાયાધીશે કહ્યું કે આ ઘટનાઓ બંધારણ હેઠળ હિન્દુઓને આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સાથે સંપૂર્ણ દખલ છે.

આ અરજીમાં અરુલમિગુ પલાની ધનાદયુથાપાની સ્વામી મંદિર અને તેના ઉપ-મંદિરોમાં માત્ર હિન્દુઓને જ જવા દેવા માટે પ્રતિવાદીઓને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજદારની માંગ હતી કે તમામ પ્રવેશ દ્વાર પર આને લગતા ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવે. આ કેસમાં તામિલનાડુ સરકાર ડિફેન્ડેડ હતી, જેનું પ્રતિનિધિત્વ મુખ્ય સચિવ, પ્રવાસન, સંસ્કૃતિ અને ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ, કમિશનર, હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ (HR&CE) અને પલાની મંદિરના કાર્યકારી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. HR&CE વિભાગ તમિલનાડુમાં હિન્દુ મંદિરોનું સંચાલન કરે છે.

અરજી સ્વીકારીને, કોર્ટે ડિફેન્ડેડને મંદિરોના પ્રવેશદ્વાર પર, કોડીમારમ પાસે અને મંદિરના મુખ્ય સ્થળોએ બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘બિન-હિન્દુઓને કોડીમારામથી આગળ જવાની મંજૂરી નથી.

આ પણ વાંચો: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું બાંધકામ ફરી 15 ફેબ્રુઆરીથી શરુ થશે

Back to top button