ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

મંદિર ઑન વ્હીલ્સ! તેલંગણાના કાર મ્યુઝિયમમાં તૈયાર થયું રામ મંદિરનું અનોખું મોડેલ

  • આ મંદિર-રથ 19 જાન્યુઆરીથી હૈદરાબાદના સુવિખ્યાત પ્રદર્શન મેદાનમાં મૂકાશે, જ્યાં 15 ફેબ્રુઆરી સુધી લોકો મુલાકાત લઈ શકશે
  • કાર-રથની ઊંચાઈ 26 ફૂટ છે, લંબાઈ 20 ફૂટ અને પહોળાઈ 14 ફૂટ છે

અયોધ્યા, 17 જાન્યુઆરીઃ 2020ની પાંચમી ઑગસ્ટે અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે શિલાન્યાસ થયો ત્યારથી દેશવાસીઓમાં કંઈક નવી જ ઊર્જાનો સંચાર થયેલો જોવા મળે છે.

હવે જ્યારે આગામી સોમવારે, 22 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે અનેક લોકો પોતપોતાની રીતે આ ઐતિહાસિક ક્ષણ સાથે જોડાવા પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે.

આવો જ એક પ્રયાસ તેલંગણામાં થયો છે. હૈદરાબાદસ્થિત એક કાર મ્યુઝિયમ માલિકે કારની ઉપર જ સમગ્ર રામલલા મંદિરનો ઢાંચો તૈયાર કર્યો છે.

 

કારની ઉપર આ વિશિષ્ટ મંદિર તૈયાર કરનાર સુધા કાર મ્યુઝિયમના માલિક સુધાકર યાદવે કહ્યું કે, પોતે પૂરા બે વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા. યાદવે માહિતી આપી કે, 21 કારીગરોએ આ મોડેલ તૈયાર કર્યું છે જેમાં 10 મુસ્લિમ કારીગરોનો પણ સમાવેશ થાય છે.

સુધાકર યાદવે સમાચાર એજન્સીને કહ્યું કે, તેમને આનંદ છે કે, તેમનો પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ ગયો છે અને હવે આ મંદિર મોડેલને તેઓ 19 જાન્યુઆરીથી હૈદરાબાદના સુવિખ્યાત પ્રદર્શન મેદાનમાં મૂકશે જ્યાં ભક્તો તેના દર્શન કરી શકે. તેમના કહેવા મુજબ દેશના દરેક નાગરિકો હાલના તબક્કે અયોધ્યા જઈ શકે નહીં અને તેથી હૈદરાબાદના રામભક્તોને 19 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આ મેદાનમાં દર્શનનો લાભ મળશે.

 

યાદવની યોજના છે કે, 15 ફેબ્રુઆરી પછી તેલંગણાના ગ્રામ્ય વિસ્તારોમાં આ મંદિર-રથ ફેરવવામાં આવશે. આ કાર-રથની ઊંચાઈ 26 ફૂટ છે, લંબાઈ 20 ફૂટ અને પહોળાઈ 14 ફૂટ છે. યાદવનો દાવો છે કે આ મંદિર-રથને 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે હંકારી શકાય. કાર-રથમાં લાઈટ અને સાઉન્ડ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જેમાં રામ ભજનો વાગશે.

સુધાકર યાદવે જણાવ્યું કે, વિવિધ થીમ સાથે કારને સજાવવાનો તેમને શોખ છે અને આ માટે તેમને ગિનીસ બુકમાં પણ સ્થાન મળેલું છે.

આ પણ વાંચોઃ PM મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં લતા દીદીને કર્યા યાદ, શેર કર્યું છેલ્લું ભજન

Back to top button