ઇન્ટરનેશનલ ડેસ્કઃ થોડા દિવસ પહેલાં મડાગાસ્કરના પાટનગર અંતાનનારિવોમાં ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મડાગાસ્કરમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓની બહુમતી છે. આરતી, ભજનો વચ્ચે મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મડાગાસ્કર ખાતે ભારતના રાજદૂત અભય કુમાર આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મડાગાસ્કર હિન્દુ સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
1700 વર્ષ પહેલાં ગુજરાતીઓ ત્યાં સેટલ થયા હતા
મડાગાસ્કર હિન્દુ સમાજના પ્રમુખ સંજીવ હેમંતલાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અહીં વસતા ભારતીયો માટે આ ગૌરવની ઘડી છે. મડાગાસ્કર હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક ટાપુ પર વસેલો દેશ છે. મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલા મડાગાસ્કર અને ગુજરાતને સદીઓ જૂનો સંબંધ છે. અંદાજે વર્ષ 1780 આસપાસ પહેલી વખત મડાગાસ્કર ગયેલા અમુક ભારતીયો ત્યાં સેટલ થયા હતા જેમાં મોટેભાગે ગુજરાતીઓ હતા. 18મી સદીથી 20મી સદીની શરૂઆત સુધી મેડાગાસ્કરમાં ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
અહીં ગુજરાતીઓની 20 હજારની વસતી
અહીંના બિઝનેસ ક્ષેત્રમાં ભારતીયો એમાં પણ મોટેભાગે ગુજરાતીઓનો મોટો ફાળો છે. અંદાજે 20000 આસપાસ ભારતીયો અહીં વસે છે જેમાં 2500 જેટલા ભારતીય પાસપોર્ટ હોલ્ડર છે. ગુજરાતીઓ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, રીઅલ એસ્ટેટ બિઝનેસમાં વધારે છે. ઘણા ભારતીયો અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કામ કરે છે.
દરેક પરંપરા ગુજરાતીઓ જાળવી રાખી છે
છેલ્લા કેટલાક વર્ષોમાં મડાગાસ્કરની જીડીપીમાં ગુજરાતી સમુદાયનો મહત્વનો ફાળો રહ્યો છે. મડાગાસ્કરમાં વસતા ગુજરાતી લોકો દરેક તહેવાર ઉજવે છે પણ નવરાત્રિમાં રોનક જ અલગ હોય છે. તેઓ વર્ષોથી અહીં રહે છે, પણ દરેક પરંપરા જાળવી રાખી છે. મડાગાસ્કરમાં 3 મંદિર છે. અંતાનનારિવો સિવાય મેડાગાસ્કરના અન્ય શહેરો મહાજાંગા, ડીએગો, ટેમતેવમાં પણ નવરાત્રીના આયોજન કરાયા છે.