દેશનું એકમાત્ર ‘ઈન્કલાબ મંદિર’, 22 વર્ષથી થાય છે ક્રાંતિકારીઓની પૂજા


દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આઝાદીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને લોકો આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોને પણ યાદ કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ દેશના આવા અનોખા મંદિર વિશે જ્યાં ક્રાંતિકારીઓની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓ દરરોજ પૂજા કરવા આવે છે.
22 વર્ષ પહેલા ઈન્કલાબ મંદિર બનાવવામાં આવ્યું
હરિયાણાના યમુનાનગરમાં આવેલું આ મંદિર ગુમથલા નામના ગામમાં છે. લગભગ 22 વર્ષ પહેલા અહીં એક ઈન્કલાબ મંદિર બનાવવામાં આવ્યું . આ મંદિરનો દરેક દિવસ ઉત્સવ સમાન છે. અહીં મધર ઈન્ડિયા ડે ઉજવવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓની યાદમાં અહીં ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવે છે.
શહીદોના પરિવારો પણ અહીં આવે છે
શહીદોની યાદમાં સ્થપાયેલા ભારતના એકમાત્ર ઈન્કલાબ મંદિરમાં લોકો શહીદોની પ્રતિમાને નમન કરે છે, જ્યારે શહીદોના પરિવારો પણ અહીં આવે છે. શહીદ મંગલ પાંડેના વંશજો દેવીદયાલ પાંડે અને શીતલ પાંડેએ પણ અહીં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો છે. રાજ્યના ખેલ મંત્રી સંદીપ સિંહ, આરએસએસના ઈન્દ્રેશ કુમાર, પૂર્વ રાજ્ય મંત્રી કરણ દેવ કંબોજ, બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય આર મોહમ્મદ પણ અહીં આવ્યા છે.
આખા દેશમાં માત્ર આ એક જ ઈન્કલાબ મંદિર
આ મંદિરમાં રાજગુરુ, શહીદ સુખદેવ, શહીદ આઝમ ભગત સિંહ, લાલા લજપત રાય, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ભીમ રાવ આંબેડકર, અશફાક ઉલ્લા ખાનના જન્મદિવસ અને પુણ્યતિથિઓ પર ઉજવણી કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ઈન્કલાબ મંદિરના સંસ્થાપક એડવોકેટ વર્યમ સિંહનું કહેવું છે કે આખા દેશમાં આવું મંદિર નથી.