- અચાનક ઠંડીમાં થયેલ ઘટાડાથી રવી પાકોને નુકસાન થવાનો ભય
- વર્ષે અલનીનોની અસરને કારણે ઠંડી પડવાનો સમયગાળો ઘટયો
- મહત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસે ઠંડી ગાયબ થઈ
જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો થયો છે. જેમાં રવિ પાક પર અસર થશે. સવારે અને રાતે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તેમજ સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયુ છે. તથા કંડલા એરપોર્ટ વિસ્તારમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી છે. જેમાં ગાંધીનગર, ડિસા, અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન છે. તથા રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 12 ડિગ્રી, વડોદરા, ભુજ, મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી તથા સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી સાથે ભાવનગર અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.
જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટવા માંડી
તા.20મી નવેમ્બરથી તા.20મી ફેબ્રુઆરી સુધીનો શિયાળાનો સમયગાળો હોય છે. આ સમયગાળામાં તબક્કાવાર ઠંડીમાં વધારો થતો હોય છે અને ધીમે-ધીમે ઠંડી ઘટવા પણ માંડે છે. જો કે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રવી પાકોને માફકસર ઠંડી પડી ન હતી. પરંતુ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીમાં વધારો થવા લાગ્યો હતો. આ મહિનામાં ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઈ છે. આ મહિનાના મધ્યમાં તો લઘુત્તમ તાપમાન એક આંકડામાં પણ નોંધાયુ હતુ. પરંતુ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટવા માંડી છે.
મહત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસે ઠંડી ગાયબ થઈ
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસ સુધસ સામાન્ય વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાઈ રહ્યો છે. બીજી તરફ દિવસે બપોરના સમયે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અચાનક લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉચકાતાં અને મહત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસે ઠંડી ગાયબ થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં હજુ પણ લઘુત્તમ તાપમાન ઉચકાશે,પરિણામે રાત્રે ઠંડીનો અનુભવ થશે. પરંતુ દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડતા હતા તેમાંથી છૂટકારો મળશે.
અચાનક ઠંડીમાં થયેલ ઘટાડાથી રવી પાકોને નુકસાન થવાનો ભય
જો કે અચાનક ઠંડીમાં થયેલ ઘટાડાથી રવી પાકોને નુકસાન થવાનો ભય રહેલો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, રવી પાકોને હજુ ઠંડીની જરૂર છે. બપોરના સમયે ગરમી જેવુ વાતાવરણ રહેતાં વરીયાળી, ચણા, બટાકા, દિવેલા, ઘઉં સહિતના પાકોને નુકસાન થઈ શકે છે. દિવસનું તાપમાન ઉચકાતાં આવા વાતાવરણમાં મોલો અને મસીનો ઉપદ્રવ પણ વધી શકે છે. મોલો અને મસી તૈયાર પાકના છોડ કે પાન ઉપર બેસે અને કોતરી ખાય તો ઉત્પાદનમાં ઘટાડો થવાનો પણ ભય રહેલો છે. વર્ષે અલનીનોની અસરને કારણે ઠંડી પડવાનો સમયગાળો ઘટયો છે.